મોરબીઃ જિલ્લાના સિરામિક ઉદ્યોગ માટે રાહતના સમાચાર મળ્યા છે. રાજ્ય સરકારે સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં રૂપિયા 2.50ની વધારાની રાહત આપી છે. જેથી સિરામિક ઉદ્યોગને કરોડો રૂપિયાની રાહત મળતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
મુખ્યપ્રધાન વિજય રુપાણીએ સિરામિક ઉદ્યોગને ગેસ બીલમાં 16 ટકાની રાહત આપવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. જેથી સિરામિક ઉદ્યોગને મોટી રાહત મળી છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસના બીલમાં પ્રતિ ક્યુબીક મીટરે રૂપિયા 2.50ની વધારાની રાહત આપવામાં આવી છે. આ અગાઉ ઉદ્યોગને રૂપિયા 2ની રાહત આપ્યા બાદ બુધવારે ઉચ્ચસ્તરીય બેઠકમાં વધારાના 2.50ની રાહત આપવામાં આવી છે.
મોરબીના સિરામિક ઉદ્યોગમાં પ્રતિદિન 63 લાખ ક્યુબીક મિટર ગેસનો વપરાશ થતો હોય છે. જેથી મહિનામાં અંદાજે 47 કરોડ રૂપિયાની બચત થશે. આ સાથે જ ઉર્જાખર્ચ ઘટી જતા સિરામિક ઉદ્યોગ હવે ચીન સાથેની સ્પર્ધામાં પણ લીડ મેળવી એક્સપોર્ટ માર્કેટ કવર કરી શકશે. જેથી સિરામિક ઉદ્યોગપતિઓમાં ખુશી જોવા મળે છે અને ઉદ્યોગપતિઓ તેમજ હોદેદારોએ સરકારના આ નિર્ણયને આવકાર્યો છે.