રાજકોટઃ વઘાસિયા બોગસ ટોલનાકા મામલે ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામ પટેલના દીકરાનું નામ પણ પોલીસ ફરિયાદમાં છે. જે સંદર્ભે પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો છે. તેથી પાટીદાર સમાજના યુવાનો દ્વારા જેરામ પટેલનું રાજીનામું માંગ્યું હતું. તેમજ જો જેરામ પટેલ રાજીનામું નહિ આપે તો પાટીદાર યુવાનો ધરણાં કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે આ મામલે ઉમિયાધામ ટ્રસ્ટી મંડળની બેઠક યોજાઇ હતી અને જેરામ પટેલ સહિત પાંચ ટ્રસ્ટીઓ વય નિવૃત્તિના કારણે રાજીનામું આપશે તેવી જાહેરાત કરાઈ છે.
હાલમાં બોગસ ટોલનાકા મામલે ઉમિયાધામ સીદસરના પ્રમુખ જેરામ પટેલના પુત્રએ સરકારની તિજોરીમાં બાકોરું પડવાનું કામ કર્યું છે. જેના કારણે પાટીદાર યુવાનોમાં રોષ જોવા મળ્યો હતો અને પાટીદાર યુવાનોએ ઉમિયાધામ પ્રમુખ પદેથી જેરામ પટેલનું રાજીનામું માંગ્યું હતું. ત્યારે આ મામલે ગત 6 તારીખે સિદસરમાં મંદિરના તમામ ટ્રસ્ટીઓની બેઠક મળી હતી. જેમાં જેરામ પટેલ સહિત 5 જેટલા ટ્રસ્ટીઓ વય નિવૃત્તિન કારણે રાજીનામું આપશે અથવા તો તેમનું રાજીનામું માંગી લેવામાં આવશે. જ્યારે ઉમિયાધામ ટ્રસ્ટી મંડળ દ્વારા લેવામાં આવેલ નિર્ણયને અમે માન્ય રાખીએ છીએ...મનોજ પનારા(પાટીદાર અગ્રણી, રાજકોટ)
મૌલેષ ઉકાણીને ચાર્જ સોંપાઈ શકે છેઃ આગામી ડિસેમ્બરમાં ઉમિયાધામ સિદસર મંદિરના ભવ્ય કાર્યક્રમ યોજાનાર છે. ત્યારે આ કાર્યક્રમ પહેલા જેરામ પટેલને પ્રમુખ પદેથી હટાવવામાં આવશે. જેરામ પટેલ બાદ ઉમિયાધામના પ્રમુખ પદની જવાબદારી પાટીદાર અગ્રણી મૌલેશ ઉકાણીને આપવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મોરબીમાં બોગસ ટોલનાકુ ઝડપાયું છે. ત્યારે આ બોગસ ટોલનાકામાં આરોપી તરીકે ઉમિયાધામ પ્રમુખ જેરામ પટેલના મોટા પુત્રનું નામ છે. જેના કારણે ઉમિયાધામના પ્રમુખ પદેથી જેરામ પટેલ રાજીનામું આપે તેવી માંગણી પાટીદાર યુવાનો દ્વારા કરવામાં આવી હતી અને જો જેરામ પટેલ રાજીનામું નહિ આપે તો પાટીદાર સમાજ ધરણા કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી પરંતુ જેરામ પટેલ ટૂંક સમયમાં જ રાજીનામું આપતા પાટીદાર યુવાનોએ ઉમિયાધામ ટ્રસ્ટી મંડળનો નિર્ણય આવકાર્યો હતો.