મોરબી: મોરબી પોલીસ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ત્રણ સ્થળે સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે, જેમાં મોરબી SOG ટીમે ભક્તિનગર સર્કલ નજીક સ્ફીમ સ્પા, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે શનાળા ગામ નજીક થ્રી સ્પા એન્ડ સલૂન અને મહેન્દ્રનગર ગામ નજીક વેલકમ સ્પામાં દરોડા પાડીને સંચાલક સહિતના કર્મચારીઓની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી પોલીસના દરોડા: મોરબી એસઓજીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ પાસે આવેલ અફીમ સ્પામાં અલગ-અલગ રાજ્યમાંથી મહિલાઓને બોલાવી ગ્રાહકોને સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળતા ટીમે સ્થળ પર દરોડા પાડ્યાં હતાં. જ્યાંથી મૂળ નેપાળના અને હાલમાં શનાળાના લાયન્સનગરમાં રહેતા 31 વર્ષીય સ્પાના સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબને ઝડપી લીધા હતાં. અન્ય આરોપી તરીકે મોરબીના મહેશ ગોકળ મેવા નામના વ્યક્તિની સાંઠગાઠ ખુલી હતી. પોલીસે અહીં રોકડ રકમ ઉપરાંત બે મોબાઈલ, ગર્ભનિરોધક સમાગ્રી સહીત કુલ રૂ ૨૭,૫૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. હાલ તો આ મામલે પોલીસે સ્પાની મહિલા સંચાલક બિમલા દેવીપ્રસાદ ઇગ્નાબની ધરપકડ કરીને આરોપી મહેશ મેવાને ઝડપવાની કાર્યવાહી હાથ ધરી છે.
સ્પાની આડમાં ગોરખધંધા: આ ઉપરાંત મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન મહેન્દ્રનગર ચોકડી પાસે શિવ કોમ્પ્લેક્ષમાં ચાલતા વેલકમ સ્પામાં દરોડા પાડ્યાં હતાં. જ્યાંથી મહેન્દ્રનગરના જયેશ મોહન પરડવા નામના આરોપી સહિત વિમલ લલિત અગ્રાવત, પ્રકાશ કનૈયાલાલ ડાખોરને ઝડપી લીધા હતાં. અહીંથી પણ પોલીસે ૩ મોબાઈલ, ગર્ભનિરોધક સામગ્રી સહિત કુલ ૫૭,૬૦૦નો મુદામાલ જપ્ત કર્યો છે. જ્યારે મોરબીના મુકેશ ઘોઘાભાઇ સુરેલા નામના આરોપીનું નામ ખુલતા તેના વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્પા સંચાલકોની ધરપકડ: આજ પ્રકારે મોરબી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમે બાતમીના આધારે શનાળા નજીક આવેલ શ્રી દરિયાલાલ સ્ક્વેર કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે ચાલતા થ્રી સ્પા એન્ડ સલૂન પ્રા. લી. રેડ કરી હતી. જ્યાંથી પણ પોલીસને સ્પાની આડમાં ચાલતા ગોરખધંધાને ઉજાગર કર્યો હતો. અહીંથી પોલીસે સ્પા સંચાલક દીપક રમેશચંદ્ર ચૌહાણ અને કર્ણબહાદુર નીલે નામના આરોપીને ઝડપી પાડ્યા હતાં.