મોરબીના સામાજિક કાર્યકર રાજુ દવે, જગદીશ બાંભણીયા અને જીગ્નેશ પંડ્યાએ રાજ્યના મુખ્યપ્રધાન અને જીલ્લા કલેકટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, મામલતદાર કચેરીમાં વિધવા સહાયના ફોર્મ ભરાઈને કચેરીમાં જમા કરાવેલ છે. પરંતુ સહાયના હુકમમાં સહી કરવાના વિલંબને પગલે 250 થી 300 જેટલા વિધવાના પેન્શન અટકાયા છે.
ગુજરાત રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા નવા ફોર્મ વિધવા સહાયના કાઢવામાં આવેલ છે તે ભરાઇ ગયાને બે માસનો સમય થયો છતાં મામલતદાર કચેરીમાંથી ઓર્ડર ન મળવાથી પેન્શન અટકાવેલ છે. મામલતદાર કચેરીએ પૂછપરછમાં રૂમ નંબર 6માં ધક્કા ખાવામાં આવે છે, અને તેમને ઉડાઉ તેમજ તોછડાઈભર્યા જવાબો સામભળવા મળે છે.
તેમજ મામલતદાર કચેરીએથી કલેકટર કચેરી જવાનું કહે છે ત્યારે અરજદારો ક્યાં જાય તે તેમને સમજાતું નથી. તેમજ નાયબ મામલતદાર સહી કરે પછી મામલતદાર સહી કરે તેવું જાણવા મળ્યું છે. પરંતુ નાયબ મામલતદાર સહીમાં વિલંબ કરે છે જેના લીધે વિધવા બહેનો પેન્શનથી વંચિત રહી જાય છે ત્યારે આ પ્રક્રિયા ઝડપી બનાવવા માગ કરી છે.