મોરબીમાં રહેતો જાગરત દેત્રોજાની ઉમર હાલ માત્ર આઠ વર્ષ છે અને તે ત્રણ વર્ષની ઉમરથી એટલે કે, માત્ર પાંચ વર્ષનો હોય ત્યારથી ગો કાર્ટ રેસ કરે છે. પિતાને ફોર્મ્યુલા વન રેસિંગ જોવાનો શોખ હોય અને પિતા સાથે ટીવી જોતા બાળક જાગરતને પણ રેસિંગનો શોખ જાગ્યો હતો અને પિતાએ પણ પુત્રના શોખને પાંખો આપવાનું કાર્ય કર્યું હોય જેથી જાગરત દેત્રોજા રેસના શોખને આગળ વધારી રહ્યો છે અને માત્ર આવડી વયે તે બરોડામાં ગો કાર્ટથી શરુ કરીને બેંગ્લોર, પુને અને હૈદરાબાદ સહિતના સ્થળે યોજાતી ગો કાર્ટ રેસમાં ભાગ લઇ ચુક્યો છે અને તે પ્રોફેશનલ ટ્રેનિંગ માટે હવે સ્પેન જવાની તૈયારી કરી રહ્યો છે અને આગામી દિવસોમાં તે ફોર્મ્યુલા વન રેસમાં ભાગ લઈને તેમાં સફળ થવાના સ્વપ્ન સેવી રહ્યો છે.
જાગરત દેત્રોજાની ઉમર નાની હોવા છતાં તે નેશનલ રેસિંગ સુધી પહોંચ્યો ત્યારે તેના પરિવારે કેવી મહેનત કરી છે અને નાનું બાળક આવડા મોટા સ્વપ્ન જોઇને સિદ્ધ કેવી રીતે કરી શક્યો તે અંગે પિતા જણાવે છે કે, તે 7 વર્ષ ઓસ્ટ્રેલિયામાં રહેતા હોય દરમિયાન તેને ફોર્મ્યુલા રેસ જોવાનો શોખ હતો અને ભારત પરત ફર્યા બાદ પણ તે ટીવીમાં ફોર્મ્યુલા રેસ જોતા રહેતા હોય જેથી બાળક જાગરત પણ પિતા સાથે રેસ જોતો અને તેને શોખ જાગ્યો હોય જે શોખ પૂર્ણ કરવા તેને બરોડા ગો કાર્ટમાં લઇ ગયા બાદ તેને આ ક્ષેત્રમાં પાછળ વળીને જોયું નથી અને સતત આગળ વધી રહ્યો છે. વર્ષ 2017માં તેને રેસિંગની શરૂઆત કરી છે અને વર્ષ 2018માં નેશનલ લેવલે શરુ કર્યું હતું જેમાં તેને 5 રેસની સિઝનમાં પણ ભાગ લીધો છે અને ન્યુ કમર ઓફ યરની ટ્રોફી પણ મેળવી છે ઉપરાંત નેશનલ લેવલની 5 રેસની સીઝન પણ તેને પાર કરી સારો દેખાવ કર્યો છે
મોરબીના નાના એવા જાગરત દેત્રોજાની સિદ્ધિ તેના શોખ અને સ્વપ્નને તો આભારી છે. જ સાથે પરીવારે પણ પુરતો સહયોગ આપ્યો છે માત્ર પિતા જ નહિ પરંતુ બાળકના દાદા પણ તેની સફળતા માટે સતત જાગૃત છે અને જયારે પિતા સાથે જઈ શકે તેમ ના હોય ત્યારે દાદા તેની સાથે વિવિધ રેસિંગમાં જતા હોવાનું જણાવી રહ્યાં છે. જાગરતના દાદા વધુમાં જણાવે છે કે, તે વ્યવસાયે સિરામિક સાથે જોડાયેલ છે. પૌત્રના શોખ માટે તે રેસિંગ સ્થળે સાથે જાય છે એટલું જ નહિ દાદાએ મિકેનીકલ અભ્યાસ કર્યો હોય જેથી તેની ગો કાર્ટ રેસમાં કારમાં કોઈ ખામી સર્જાય તો રીપેરિંગ પણ તે કરે છે આમ તે દાદા ઉપરાંત ટેકનિકલ સ્ટાફ તરીકે સહયોગ આપે છે અને જાગરતને સતત આગળ વધવાની પ્રેરણા પૂરી પાડી રહ્યા છે.
આમ મોરબીના જાગરત દેત્રોજાએ નાની આંખોમાં મોટા સ્વપ્નો સજાવ્યા છે અને માત્ર સ્વપ્નો જોઇને બેસી રહેવાની બદલે તે સ્વપ્નો પૂર્ણ કરવા અથાગ પરિશ્રમ કરે છે. પરિવારમાં માતા-પિતા હોય કે દાદા સૌ કોઈ તેને પુરતો સહયોગ આપે છે અને બાળકના વિકાસ અને તેના શોખને પૂર્ણ કરવા માટે પ્રેમ અને હુંફ તેમજ સહકાર આપી રહ્યા છે અને હસવા રમવાની ઉમરનું નાનું બાળક મોટા સ્વપ્નો જોઈ રહ્યું છે અને ફોર્મ્યુલા વન રેસિંગમાં તે સિદ્ધિ મેળવવા ઈચ્છી રહ્યો છે.