મોરબીઃ સમગ્ર રાજ્યમાં ચકચારી એવા નકલી ટોલનાકા કૌભાંડમાં મોરબી કોર્ટે 2 આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. પોલીસે આ કેસમાં ખુદ ફરિયાદી બનીને 5 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જો કે હજૂ સુધી પોલીસ એક પણ આરોપીની ધરપકડ કરી શકી નથી. કોર્ટે સમાજને અસરકર્તા ગંભીર ગુનાઓમાં આરોપીઓને જામીન આપી શકાય નહી તેવું અવલોકન કરીને જામીન ન્યાયોચિત ન હોવાનું ગણી આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.
વકીલની દલીલઃ જામીન અરજી કરનાર આરોપીઓના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે આગોતરા જામીનની અરજી કરનાર આરોપીઓ તદ્દન નિર્દોષ છે. આ ગુનામાં આ આરોપીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ સંડોવણી નથી. પોલીસ અરજદારોને ખોટી રીતે સંડોવી દેવા માટે ધરપકડ કરે તેવો ભય છે. અરજદારોની સમાજમાં બદનામી થાય તે માટે કોઈ અન્યના ઈશારે ખોટા પુરાવા ઊભી કરીને ખોટા ગુનામાં સંડોવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વકીલે વધુ દલીલ કરતા કહ્યું હતું કે અરજદારોએ કોઈ ટોલના નાણાં ઉઘરાવ્યા નથી કે ટોલનાકાના કર્મચારીઓને ધમકી આપી નથી. અરજદારોને ખોટા ગુનામાં જેલમાં જવું પડે, તેમની આબરુ ઘવાય, સમાજમાં માનહાનિ થાય અને પાછળથી ગુનો સાબિત ન થતા તેમને નિર્દોષ છોડવામાં આવે તો જેલમાં રહેવાથી જે નુકસાન થાય તેની ભરપાઈ નાણાંથી થઈ શકે નહીં. જો કે કોર્ટે અરજદારોના વકીલની દલીલોને માન્ય ન રાખીને બંનેની આગોતરા જામીન અરજી ફગાવી હતી.
કોર્ટનું અવલોકનઃ નકલી ટોલનાકા કૌભાંડમાં પોલીસે ખુદ ફરિયાદી બનીને ઉમિયાધામ પ્રમુખના પુત્ર અને રાજકીય અગ્રણીઓ સહિત 5 આરોપીઓની નામજોગ અને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. આ કૌભાંડના 5 આરોપી પૈકીના વઘાસિયાના રહેવાસી રવિરાજ સિંહ ઝાલા(ઉ.વ. ૩૬) અને હરવિજય સિંહ ઝાલા(ઉ.વ. 40) દ્વારા મોરબી કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જો કે કોર્ટે આ કેસમાં ગુનાને ગંભીર ગણ્યો છે. સમાજને અસરકર્તા ગુનામાં જામીન આપી શકાય નહી તેવું અવલોકન કરીને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી છે.