મોરબી : મોરબીમાં માનસિક અસ્થિર યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બહેનને માર મારી થાય તે કરી લેજો કહીને ધમકી આપી હતી. ઘટનાની વિગત જોઇએ તો દુકાને વિમલ ખરીદવા ગયેલ માનસિક તકલીફ ધરાવતી યુવતી પર એક નરાધમે નજર બગાડી હતી અને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. તો આ બનાવ મામલે ભોગ બનનારની બહેન સહિતના આરોપીને સમજાવવા જતા લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હોવાની અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દુષ્કર્મ અને મારામારીની બે ફરિયાદ નોંધાઈ : મોરબી શહેરની રહેવાસી યુવતી દુષ્કર્મનો ભોગ બની છે જેમાં ભોગ બનનારના ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. કે ગત 1 જાન્યુઆરીના રોજ રાત્રીના સાડા આઠથી નવ વાગ્યાના અરસામાં તેની બહેન પાનની દુકાને વિમલ પાન મસાલા લેવા ગઈ હતી. ત્યારે વિમલ આપવાના બહાને શેરીમાં આવેલ અવાવરૂ ઓરડીમાં લઇ જઈને આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણા નામના ઇસમે યુવતીની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
યુવતીને માનસિક તકલીફ હતી : તો બનાવને પગલે ભોગ બનનાર યુવતીની બહેનો સહિતના નરાધમને સમજાવવા જતા માર મારી ઈજા પહોંચાડી હોવાની વધુ એક ફરિયાદ નોંધાઈ છે. જેમાં ભોગ બનનારની બહેને આરોપી ગોપાલ ભોજાભાઈ મકવાણા અને બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની બહેન વિમલ લેવા ગઈ હતી અને રાત્રીના નવ વાગ્યા છતાં પરત આવી ન હતી. ભોગ બનનારને કોરોના સમયે મગજમાં તાવ ચડી ગયેલ ત્યારથી માનસિક તકલીફ હોય ઘરે પરત ન આવતા માતા અને બહેનો શોધવા નીકળ્યા હતાં. ત્યારે અવાવરૂ ઓરડી તરફથી બહેન આવી હોવાની માહિતી મળતા ત્યાં ગયા હતાં અને બહેનને પૂછતાં તે હેબતાઈ ગઈ હતી .
દુષ્કર્મ આચરી બે બહેનોને માર માર્યો : બાદમાં બીજા દિવસે ફરિયાદીના ભાઈ ઘરે જમવા આવ્યા ત્યારે બહેનને પૂછતા ગોપાલ ભરવાડે ખરાબ કામ કર્યાની વાત કરી હતી. જેથી ફરિયાદી અને તેની માતા અને બહેનો ગોપાલભાઈની દુકાને ખરેખર શું બનાવ બનેલ તે જાણવા ગયા હતા. ત્યારે ગોપાલે ઠપકો આપતા તમારે થાય તે કરી લો કહીને ગાળો આપવા લાગ્યો હતો. ગાળો દેવાની ના પાડતા બોલાચાલી અને ઝઘડો થતા ગોપાલ તેમજ બે અજાણ્યા માણસોએ લાકડાના ધોકા વડે માર મારી ઈજા પહોંચાડી હતી. જે મારામારીમાં ફરિયાદી યુવતી, તેની બહેનોને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાઈ હતી. આમ દુષ્કર્મ આચરી નરાધમે ભોગ બનનારની બહેનોને માર મારી ઈજા પહોંચાડી હતી. મોરબી એ ડીવીઝન પોલીસે દુષ્કર્મ અને મારામારીની અલગ અલગ ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લીધો છે.