મોરબી : મોરબી એસઓજી ટીમ નાર્કોટીક્સ માદક પદાર્થ રાખતા અને વેચાણ કરતા ઇસમોને દબોચી લેવા પેટ્રોલિંગમાં હતી. દરમિયાન સાજીદ ઉર્ફે સાજલો ગફાર બ્લોચ રહે ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ વાંકાનેર અને રજાક આમદ ઘાંચી રહે માધાપર મોરબી વાળા બંને ઈસમો સાંજે દરિયાલાલ હોટેલ નજીક પાનેલી રોડ સર્વિસ રોડ પર ભેગા થઇ માદક પાવડર પોતાના ગ્રાહકોને આપવા જતા હોવાની બાતમી મળતા ટીમે વોચ ગોઠવી હતી.
બે આરોપી ઝડપાયાં : પોલીસ વોચ રાખી રહી હતી તેવામાં પાનેલી જવાના રસ્તામાં ખૂણા પાસે નંબર વગરના મોટરસાયકલ લઈને નીકળતા આરોપી સાજીદ ઉર્ફે સાજલો ગફાર બ્લોચ રહેવાસી ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાસે વાંકાનેર મૂળ રહે આરબ જમાતખાના પાસે કાલાવડ નાકા બહાર જામનગર અને રજાક ઉર્ફે લાલો આમદ પરમાર રહેવાસી માધાપર 14 મોરબીવાળાને ઝડપી લીધાં હતાં
વધુ એકનું નામ ખુલતા તપાસનો દોર લંબાયો : આ બંન્ને આરોપીઓ પાસેથી નાર્કોટીક્સ માદક પદાર્થ મેફેડ્રોનનો 64.20 ગ્રામ જથ્થો કીમત રૂ 6,42,000 અને મોબાઈલ નંગ 2 કીમત રૂ 300 તેમજ રોકડ રૂ 4460 અને હોન્ડા સાઈન બાઈક નંબર પ્લેટ વગરનું કીમત રૂ 70,000 મળીને કુલ રૂ 7,19,460ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે તેમજ અન્ય આરોપી જુનેદ હનીફ પરમાર રહે માધાપર શેરી નં 05 મોરબીવાળાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
બે યુવાનના મોત મામલે ફરિયાદ : મોરબી પોલીસને દોડતી કરવામાં આજે અન્ય એક અકસ્માતનો બનાવ પણ સામે આવ્યો હતો. જેમાં વિગત એવી છે કે મોરબીના સોખડા નજીક અકસ્માતમાં બે યુવાનના મોત મામલે ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. મોરબી તાલુકાના સોખડા ગામ નજીક બાઈક અને ટ્રક અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈકમાં સવાર બે યુવાનોના ઘટનાસ્થળે મોત થયાં હતાં. જે અકસ્માતના બનાવ મામલે મૃતકના પિતાની ફરિયાદને આધારે પોલીસે આરોપી ટ્રકચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટથી બંને યુવાનો કામ માટે મોરબી આવ્યાં હતાં : રાજકોટ રૈયા ચોકડી શિવમ પાર્કમાં રહેતા સુરેશભાઈ ત્રંબકલાલ ગાંધીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેમનો દીકરો જીજ્ઞેશ પ્રાઈવેટ ફાઈનાન્સ કંપનીમાં કલેક્શન એજન્સીમાં નોકરી કરતો હતો. જે ગત તા.27 જુનના રોજ બાઈક લઈને અમિતભાઈ જોષી સાથે મોરબી માળિયા રૂટમાં કંપનીના કામ અર્થે જવા નીકળ્યો હતો. સોખડા ગામ પાસે પુત્રના બાઈકનું અકસ્માત થયાની માહિતી પ્રાપ્ત થઇ હતી જેથી સગા સંબંધીઓ સાથે મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચતા દીકરો જીગ્નેશ બેભાન હાલતમાં જોવા મળ્યો હતો અને ફરજ પરના ડોકટરે દીકરા જીગ્નેશને મૃત જાહેર કર્યા હતો.જ્યારે અમિતભાઈ વિજયકુમાર જોષીને માથામાં ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ લાવ્યા હતાં જ્યાં અમિત જોષીનું પણ મોત થયું હતું.
પોલીસે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધી : ફરિયાદીના દીકરા જીગ્નેશ સુરેશ ગાંધી અને તેનો મિત્ર અમિત વિજય જોષી બંને બાઈક લઈને કંપનીના કામ અર્થે માળિયાથી મોરબી તરફ આવતા હતાં ત્યારે સોખડા ગામના પાટિયા પાસે ટ્રક ટેલર GJ 12 Z 2306ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેમાં ફરિયાદીના દીકરા અને પાછળ બેસેલ યુવાનના મોત નીપજાવી ટ્રકચાલક નાસી ગયો હતો. મોરબી તાલુકા પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ શરુ કરી છે.