મોરબીના લીલાપર રોડ પર બોરીચાવાસ નજીક આવેલ નાળાની દીવાલ વર્ષોથી તૂટેલી હોવોથી રોડ પર અનેક અકસ્માતો થાય છે. યુવાનોએ જણાવ્યું હતું કે, છેલ્લા 2 માસમાં 3 થી 4 ગાય અહીં નીચે ખાબકી હતી. શનિવારે રાત્રીના સમયે એક રીક્ષા પણ પડી હતી. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ નથી, પરંતુ રીક્ષાને નુકસાન થયું હતું.
આ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો માથે સતત અકસ્માતનો ભય રહે છે. અગાઉ અનેક વખત પાલિકા તંત્રને દીવાલ બનવવા લેખિત રજૂઆત કરી હતી. છતા પણ કોઈ પગલા લેવામાં આવ્યા નથી. જેથી સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવ્યો હતો.
સ્થાનિકોએ તંત્ર દ્વારા ખાત્રીના મળે, ત્યાં સુધી લડત શરુ રાખવા નિર્ધાર કર્યો હતો. આંદોલનની જાણ થતા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ રામજીભાઈ રબારી પહોંચ્યા હતા. સ્થળ પરથી જ પાલિકા પ્રમુખ સાથે સંપર્ક કરીને બાદમાં આંદોલન કરનાર યુવાનોને ખાત્રી આપી હતી કે, સોમવારે દીવાલનું કામ શરુ કરાવી દેવાની ખાત્રી મળતા હાલ પુરતો મામલો થાળે પડ્યો છે. જો કે, પાલિકા તાકીદે દીવાલનું કામ નહિ કરાવે તો વધુ ઉગ્ર લડત ચલાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.