- મોરબીના ભરતનગરમાં યુવાનોને પુસ્તકો તરફ આકર્ષવા લાઈબ્રેરી
- વર્ષ 2006માં 150 પુસ્તકથી શરૂ થયેલી લાઈબ્રેરીમાં આજે 7,500 પુસ્તક
- લાઈબ્રેરીના સંચાલક 150 ન્યૂઝપેપર વેચીને આવક મેળવે છે
- ગામની લાઈબ્રેરી ગ્રામજનોના વાંચનની ભૂખ સંતોષે છે
મોરબીઃ આજના મોબાઈલ અને ઈન્ટરનેટના યુગમાં યુવાનોને વાંચન તરફ વાળવા અતિજરૂરી થઈ ગયા છે. આ માટે સરકાર અને વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરતી હોય છે. યુવાનોને વાંચન તરફ વાળવા લાઈબ્રેરી પણ ઠેરઠેર જોવા મળતી હોય છે. તેમ છતા આજના સમયમાં મહાનગર કે નગરોમાં વસ્તીના હિસાબમાં લાઈબ્રેરીની સંખ્યા પાંખી જોવા મળે છે. ત્યારે મોરબી તાલુકાનું ભરતનગર ગામ એકદમ નાનું છે. તેમ છતાં અહી 7,500 પુસ્તકોથી સમૃદ્ધ લાઈબ્રેરી જોવા મળે છે. એટલું જ નહીં અહીં કોઈ પણ પ્રકારની ફી લીધા વિના દરેક ગ્રામજનો માટે લાઈબ્રેરી ખૂલ્લી રહે છે. જે લાઈબ્રેરીમાં ક્યારેય પણ રજા નથી હોતી. તો ભરતનગર ગામની લાઈબ્રેરી કેમ છે. ખાસ અને કેવી રીતે કરાય છે આ લાઈબ્રેરીનું સંચાલન આવો જોઈએ આ વિશેષ અહેવાલમાં.
વર્ષ 2006માં શરૂ થઈ હતી લાઈબ્રેરી
ભરતનગર ગામમાં લાઈબ્રેરી (Library in Bharatnagar of Morbi) હોવી જોઈએ. આ વિચાર આવ્યો હતો અહીંના રહેવાસી મુકેશ દવેને. તેમણે વર્ષ 2006માં આ લાઈબ્રેરી શરૂ કરી હતી, જે સતત 15 વર્ષથી અવિરત ચાલી રહી છે. અહીં એક પણ દિવસ રજા રાખવામાં આવતી નથી. એટલું જ નહીં મુકેશ દવે 150 ન્યૂઝપેપર વેચી તેના થકી થતી તમામ આવક લાઈબ્રેરીને અર્પણ કરે છે. તો લાઈબ્રેરી સંચાલન માટે મુકેશ દવેને અન્ય 4-4 સેવાભાવીઓનો પણ સાથ મળી રહે છે. આથી લાઈબ્રેરી સંચાલન કરી તેઓ ગ્રામજનોની વાંચન ભૂખ સંતોષી રહ્યા છે. તો યુવાનોને પણ વાંચન માટે પ્રેરણા આપી રહ્યા છે.
સારા કે માઠા પ્રસંગે ગ્રામજનો લાઈબ્રેરીને ફાળો આપે છે
ભરતનગર ગામમાં ચાલતી લાઈબ્રેરી (morbi bharat nagar library) અંગે ગામની પ્રાથમિક શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે, સેવાભાવીઓ ગામમાં લાઈબ્રેરી (morbi bharat nagar library) ચલાવી પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. ગામમાં કોઈ પણ ઘરે પ્રસંગ હોય, જન્મદિવસ કે લગ્ન પ્રસંગ જેવા પ્રસંગોએ લાઈબ્રેરીને અચૂક ફાળો આપે છે. આ યોગદાન થકી લાઈબ્રેરી ચાલી રહી છે. તો મુકેશ દવે ન્યૂઝપેપર વેચી તેમાંથી થતી આવક લાઈબ્રેરી (morbi bharat nagar library) માટે ખર્ચે છે. અહીં 50 ટકા કિંમતે પુસ્તકો કચ્છથી મગાવવામાં આવે છે. તેમ જ ગામના ઘરે ઘરે 2-2 પુસ્તકો પહોંચાડી વાંચન માટે પ્રેરણા પૂરી પાડી રહ્યા છે, જે સરાહનીય છે. તો ગામની વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, તેમની શાળામાં પણ લાઈબ્રેરી છે. તેઓ ગામની અને શાળાની બંને લાઈબ્રેરીમાં મિત્રો સાથે વાંચવા માટે આવે છે.
આ પણ વાંચોઃ ગુજરાત યુનિવર્સિટીની લાઈબ્રેરીમાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે ભારતની સૌપ્રથમ ઈ-રિપોઝેટરી બનશે
આટલા વર્ષોથી આજદિન સુધી લાઈબ્રેરીમાં એક પણ રજા નથી રહી
આમ, વર્ષ 2006માં 150 પુસ્તકોથી શરૂ કરેલી લાઈબ્રેરીમાં આજે સેવાભાવી તેમ જ ગ્રામજનોના સહયોગથી 7,500 પુસ્તકોનો ખજાનો જોવા મળે છે. નાના એવા ગામમાં 7,500 પુસ્તકો ધરાવતી સમૃદ્ધ લાઈબ્રેરી તો મોરબી જિલ્લામથકમાં પણ ભાગ્યે જ જોવા મળે છે. લાઈબ્રેરીમાં (morbi bharat nagar library) બાળકોથી લઈને ધાર્મિક પુસ્તકો તેમ જ સ્પર્ધાત્મક પરીક્ષા સહિતના પુસ્તકો યુવાનોને વાંચન માટે મળી રહે છે. વળી લાઈબ્રેરીમાં આવનારા માટે કોઈ મેમ્બરશિપ કે ફી રાખવામાં આવી નથી. દરેક ગ્રામજન વિનામૂલ્યે અહી વાંચન ભૂખ સંતોષી શકે છે. આટલા વર્ષોથી ચાલતી લાઈબ્રેરીમાં આજ દિન સુધી એકપણ રજા રાખવામાં આવી નથી અને યુવાનોને વાંચન માટે પ્રેરિત કરવા ગામના સેવાભાવી યુવાનો અનોખો સેવાયજ્ઞ ચલાવી રહ્યા છે.