ચકચારી બનાવની વિગતો મુજબ મોરબી નજીક નાગડાવાસ પાસે વર્ષ 2010માં ભુજ તળાજા રૂટની બસમાં મુસાફરોના સ્વાંગમાં લૂંટારૂ ટોળકીએ આતંક મચાવ્યો હતો અને ફિલ્મી ઢબે ચાલુ બસે આંગણિયા પેઢીના કર્મચારી અમૃત ગાલાજી અને એસ.ટી બસના ડ્રાઈવરને ગોળી મારી નિર્મમ હત્યા કરી હતી અને આંગણિયા પેઢીના કર્મચારી પાસેથી 45 લાખની દિલધડક લૂંટ કરી હતી. તો આટલેથી ન અટકતા લૂટારૂ ગેંગ દ્વારા બસમાંથી ઉતરી ઈન્ડીકા કારમાં સવાર થયા હતા અને પાટડી નજીક પોલીસ પર ગોળીબાર કરી નાસી ગયા હતા. જે લૂંટ વિથ મર્ડર મામલે 13 શખ્સોસામે ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાના આરોપીઓમાંપોલીસે 11 આરોપીને દબોચી લીધા હતા અને 2 આરોપી હજુ ફરાર છે.
2010માં થયેલા લૂંટ વિથ મર્ડરના બનાવ મામલે કોર્ટમાં કેસ ચાલી જતા શુક્રવારે મોરબી ડિસ્ટ્રીક્ટ જજે સરકારી વકીલ સંજયભાઈ દવેની દલીલો અને પુરાવાઓને ધ્યાને લઈને 4 આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.આરોપી રુસ્તમસિંહ ઉર્ફે બબલુવીરેન્દ્રસિંહ (રહે. MP), આબિદખાન ઉર્ફે સાઓ ઈજ્મ્તખાન પઠાણ (રહે. અમદાવાદ), અલ્કેશ ઉર્ફે અખિલેશ ઉર્ફે દલબીરસિંગ ઉદલસિંહ ભદુરીયા (રહે. MP) અને રૂપેન્દ્ર ઉર્ફે રૂપેશ ઉર્ફે બીપીન રામસંગ આસારામ (રહે. MP) આ ચાર આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. તેમજ ચારેય આરોપીને 15,000નો દંડ ફટકાર્યો હતો. જયારે મોહનસિંગ રૂપસિંગ ઝાલા (રહે. મહેસાણા), ઘનશ્યામ ઉર્ફે ભોલો ગુણવંત (રહે. મહેસાણા), કાળુજી ઉર્ફે કાનજી શંકરજી રાજાણી (રહે. પાલનપુર), રાધેશ્યામ બાબુલાલ (રહે. પાટણ), નરેશવન પ્રહલાદવન ગૌસ્વામી (રહે. પાટણ), ગાંડાલાલ નાગરદાર (રહે. બહુચરાજી) અને રામ લખન રામશંકર મોદી (રહે. પાલનપુર) આ 7 આરોપીનો નિર્દોષ છુટકારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે,આરોપી ગોવિંદ ઉર્ફે વિવેક ચિત્રપાલસિંગ રાજાવત (રહે. MP) અને દોલતસિંહ ઉર્ફે દોલુભા જગતસિંહ રૂપપુરા (રહે. બહુચરાજી) આ બંને આરોપી હજુ ફરાર છે.