- ગુજરાત ગેસ કંપનીએ ગેસના ભાવમાં કર્યો વધારો
- 5.30 રૂપિયાનો કરવામાં આવ્યો વધારો
- આજથી સિરામિક ઉદ્યોગમાં ભાવ વધારો પડશે લાગુ
મોરબીઃ કેન્દ્ર સરકારનું બજેટ આજે સોમવારે રજૂ થવાનું છે, ત્યારે સ્વાભાવિક જ મોરબીનો સિરામિક ઉદ્યોગ સરકાર કોઈ રાહત આપશે તેવી આશા રાખતો હોય છે. જો કે, મોરબીના સિરામિક ઉદ્યોગને બજેટમાં રાહત મળે કે ના મળે તે પૂર્વે જ સિરામિક ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવમાં તોતિંગ ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. ગેસના ભાવમાં 4.96 રૂપિયાનો ભાવવધારો કરવમાં આવ્યો છે. જે ટેક્સ સહિત 5.30નો ભાવવધારો થયો છે.
1.5 માસમાં બીજી વખત ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો
સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં વધારો જોવા મળ્યો છે. બેઝિક 4.96 રૂપિયાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. જેથી 1 ફેબુઆરીથી ટેક્સ સહિત નવો ભાવવધારો 5.30 રૂપિયા લાગુ થવા જઈ રહ્યો છે.
ગેસના ભાવ વધતાં સિરામિક ઉદ્યોગ પર રોજનો 3.95 કરોડનો બોજો વધ્યો
ગેસના ભાવવધારાથી પ્રતિદિન 70થી 75 લાખ ક્યૂબીક મીટરનો વપરાશ કરતા સિરામિક ઉદ્યોગને પ્રતિદિન 4 કરોડ અને મહીને 120 કરોડનો બોજ વધશે. કોરોના મહામારી બાદ મોરબીના સિરામિક ઉદ્યોગનું એક્સપોર્ટ વધ્યું હતું. જો કે, હવે નવા ભાવવધારાને પગલે કોસ્ટિંગ ઊંચું જશે. જેથી એક્સપોર્ટમાં ઘટાડો આવશે તો ડોમેસ્ટિક માર્કેટમાં પણ મંદીનો માહોલ હોવાથી વોલ ટાઈલ્સ યુનિટ બંધ થાય તેવી સ્થિતિ સર્જાઈ છે.