મોરબીઃ માળિયા-હળવદ હાઇવે પરથી બુધવારની વહેલી સવારે ઘાસનો જથ્થો ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન અચાનક ટ્રકની પાછળના ભાગમાં આગ લાગતા ટ્રકના ડ્રાઈવરે ટ્રકને રોડની સાઈડમાં ઉભી કરીને માળિયા પોલીસને આ બનાવની જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી અને ધ્રાંગધ્રા ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈને આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘાસ ભરેલા ટ્રકમાં અચાનક આગ લાગી કચ્છ જિલ્લાના કુકમામાં રહેતાં અશ્વિનભાઈ ધનજીભાઈ ચાવડા મહારાષ્ટ્રના ચારોટીથી ટ્રક નંબર જીજે12 બીટી6540માં ઘાસનો જથ્થો ભરીને કચ્છ જિલ્લાના માધાપર લઇ જઇ રહ્યાં હતાં. ત્યારે સવારના લગભગ સવારના 6 વાગ્યે કોઈ કારણોસર માળિયા તાલુકાના વધારવા ગામ પાસે ચાલુ ટ્રકમાં પાછળના ભાગમાં ભરેલા ઘાસના જથ્થામાં આગ લાગી હોવાથી તેને ટ્રક રોડની સાઈડમાં ઉભી રાખી દીધી હતી. સાથે જ માળિયા પોલિસને બનાવની જાણ કરી હતી. ત્યાંથી મોરબી પાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરાતાં ફાયર વિભાગના દર્શન પરમાર, કિશન પંડયા અને વિજય ભટ્ટ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને આગ પર કાબૂ મેળવ્યો હતો.
આગ વધુ ન ફેલાય તે માટે ધ્રાંગધ્રા ફાયર ટીમ પણ દોડી આવી હતી. હાઇવે પર આગ લાગતા ટ્રાફિક જામ ન થાય માટે પોલિસ પણ ઘટના સ્થળે હાજર રહી હતી.