મોરબીઃ કોરોનને લીધે લોકડાઉનમાં ઘણા પરિવારોને રોજી રોટીનો પ્રશ્ન હોવાથી આવા પરિવારોને સહાયરૂપ થવાની ઉમદા ભાવનાથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના બેડલા ગામના ખેડૂત ભગવાનજીભાઇ જીંજરિયા દ્વારા 12 મણ ઘઉં જરૂરિયાતમંદો માટે આપવામાં આવ્યા.
![વાંકાનેર તાલુકાનાં બેડલા ગામના ખેડૂત દ્વારા સવા સો મણ ઘઉં જરૂરિયાતમંદોને ભેટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-mrb-03-khedut-donation-av-gj10004_19042020152350_1904f_1587290030_636.jpg)
વાકાંનેર તાલુકાના બેડલા ગામે રહેતા ખેતીવાડીનું કામકાજ કરતાં ભગવાનજીભાઇ તથા તેમના બંન્ને પુત્રો અજિતભાઈ અને દિનેશભાઇ જીંજરિયાએ તેમના ખેતરમાંથી ભાગમાં આવેલા 100 મણ ઘઉં તેમના ઘેર લઇ જવાના બદલે વધુ 25 મણ બજારમાંથી ખરીદી કુલ 125 મણ ઘઉં વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરીત સેવાભારતી સંસ્થાને આપવામાં આવ્યા હતા.
વાંકાનેરની સેવાભારતી સંસ્થા દ્વારા આ ઘઉંની 500 કીટ બનાવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો દ્વારા 500 ઘરો સુધી ખેડૂતની સેવાને પહોંચાડવામાં આવી હતી. લોકડાઉનના સમયમાં ખેડૂત પુત્ર દ્વારા જરૂરિયાતમંદ લોકોને ઘઉં પહોંચાડવાની કામગીરી કરી ખેડૂત ક્યારેય દેશ સેવામાં પાછળ ન રહે તે સાબિત કર્યું.
ખેડૂત દ્વારા અપાયેલા ઘઉંને જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચાડવા માટે વાકાંનેર રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સ્વયંસેવકો દિપકભાઇ ગોવાણી, ગૌરવભાઇ પટેલ, વિશાલભાઇ મહેતા, રાહુલભાઇ વડેરિયા, ધવલભાઇ કથિરીયા અને સુંદરભાઇ સહિતના કાર્યકર્તાઓ સેવાકાર્યમાં જોડાયા હતા અને ઉમદા સેવાકાર્ય બદલ ખેડૂત પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.