મોરબી : તાજેતરમાં મોરબીની કોર્ટ પરિસરમાં એક આધેડ પોતાની સાથે પરવાનાવાળું હથિયાર સાથે લાવ્યા હતા. આ શખ્સે લોકોમાં ભય ઉત્પન્ન થાય તે માટે આશયથી હથિયાર જોઈ શકાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. હાલ આ શખ્સ વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે. જોકે આરોપી વાંકાનેર યાર્ડના ચેરમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
શું હતો મામલો ? આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા હિતેષભાઈ મુળજીભાઈ મકવાણાએ આરોપી ગુલામ અમીભાઈ પરાસરા વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે મોરબી કોર્ટ પરિસરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. ત્યારે 1 જાન્યુઆરીના રોજ સવારે 11:40 કલાકે એક ઇસમ જોઈ શકાય તેવી રીતે પોતાની કમર પર હથિયાર (પિસ્ટલ) બાંધીને કોર્ટ કમ્પાઉન્ડમાં નીકળ્યો હતો.
કોર્ટમાં હથિયાર લઈ જવાનો હેતુ : પોલીસે શખ્સને રોકીને નામઠામ પૂછતાં 58 વર્ષીય ગુલામ અમીભાઈ પરાસરા વાંકાનેર તાલુકાના સિંધાવદરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. આ શખ્સને હથિયાર અંગે પૂછતા હથિયાર પોતાના પરવાનાવાળું હોવાનું જણાવ્યું હતું. તેના પરવાના નંબર અંગે પણ માહિતી આપી હતી. આ ઈસમ એક કેસમાં પોતે આરોપી હોવાથી મોરબી કોર્ટમાં હાજરી આપવા આવ્યો હતો. કોર્ટ કમ્પાઉન્ડ ફાયરઆર્મ્સ ફ્રી ઝોન છે, તથા કોર્ટમાં ઘણા બધા ફરિયાદી, સાહેબ, પંચો, જુબાની આપવા માટે આવતા હોય છે.
પોલીસ કાર્યવાહી : આ શખ્સે લોકોમાં ભય ઉત્પન્ન થાય તે માટે આશયથી હથિયાર જોઈ શકાય તેવી રીતે પોતાની કમરમાં બાંધી કોર્ટ કમ્પાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. આ આરોપી વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ ચલાવી છે. આર્મ્સ એક્ટ હેઠળ જેના વિરુદ્ધ ગુનો નોંધાયો છે, તે આરોપી વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.