મોરબીઃ મોરબી માર્કેટયાર્ડમાં યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી પ્રધાન સૌરભ પટેલ તેમજ સાંસદ મોહનભાઈ કુંડારીયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજા, માર્કેટિંગ યાર્ડના ચેરમેન મગનભાઈ વડાવીયા, DDO ભગદેવ, ટંકારાના પૂર્વ ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા, ભાજપ અગ્રણી દુલર્ભજીભાઈ દેથરીયા, જ્યોતિસિંહ જાડેજા, અધિક કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ગંગાસિંગ અને DySP રાધિકા ભારાઇ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં મોરબી, માળિયા(મી.) અને ટંકારા તાલુકાના લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા હતા. આત્મનિર્ભર પેકેજ અંતર્ગત મુખ્યમંત્રી સાત પગલા ખેડૂત કલ્યાણ પૈકી સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકના બગાડ અટકાવવા નાના વેચાણકારો માટે રાજ્ય સરકાર દ્વારા રૂપિયા 22 કરોડની નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. આ કાર્યક્રમોમાં લાભાર્થીઓને સ્માર્ટ હેન્ડ ટુલ કિટ્સ, કાંટાળી વાડ અને ફળ-શાકભાજી પાકના બગાડ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે છત્રી આપવામાં આવી હતી.
આ તકે જિલ્લા પ્રભારી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, કૃષિ બીલ મારફતે 72 વર્ષ પછી ખેડૂતોને સાચી આઝાદી મળી છે. ભારતની કોઈ સરકારમાં આ હિંમત ન હતી. પરંતુ વડાપ્રધાન મોદીની સરકારે ઐતિહાસિક પગલું ભરીને ખેડૂતોની સુવિધામાં વધારો કર્યો છે અને હવે ખેડૂત દુનિયામાં કોઈ પણ જગ્યાએ પોતાનો માલ વેચી શકશે.