મોરબીઃ હળવદના બ્રાહ્મણી-2 ડેમ પર રાજ્ય સરકાર દ્વારા 276 કરોડના ખર્ચે બ્રાહ્મણી-2 ડેમથી ભરતનગર ગામ સુધી પીવાના પાણીની યોજના શરૂ કરવામાં આવી છે. જેનો લાભ મોરબી, રાજકોટ અને જામનગર જિલ્લાને મળશે. મોરબી તેમજ હળવદ તાલુકાના ખેડૂતોને સિંચાઈ માટે બ્રાહ્મણી-2 ડેમમાંથી પાણી આપવા આવે છે.
સોમવારે મોરબી અને હળવદના 30 ગામના ખેડૂતો ડેમ સાઈટ પર એકઠા થયા હતા. પીવાના પાણીની પાઈપલાઈનનું ચાલતું કામ બંધ કરાવી વિરોધ કર્યો હતો. ખેડૂતોએ માગ કરી હતી કે, આ પ્રોજેક્ટથી ખેડૂતોને એક પણ ટીપું પાણી નહીં મળે. જો સરકારને પાણી આપવું જ હોય તો ઢાંકી ગામથી બ્રાહ્મણી-2 ડેમ સુધી પીવાના પાણીની લાઈન નાખવામાં આવે તો ડેમમાં પાણી આવશે જેનો ફાયદો ખેડૂતોને પણ થશે.
બ્રાહ્મણી ડેમ -2માં પાણીમાં સિચાઈ માટે ખેડૂતોને પાણી આપવામાં આવતું હતું. જે પાણી પણ અપૂરતું હતું. હવે જો આ પીવાના પાણીની પાઈપલાઈન નાખવામાં આવશે, તો સિંચાઈ માટે પાણી મળી શકશે નહીં. ખેડૂતની જમીન પણ કપાતમાં જાય છે. જેથી ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થતિનું સર્જન થશે અને ખેડૂતો પાણીની પાઈપલાઈનનો વિરોધ નથી કરતા, પણ આ પ્રોજેક્ટથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી નહીં મળે તો ખેડૂત કરશે શું? તેવું ખેડૂતોનું કહેવું છે.
બ્રાહ્મણી 2 ડેમમાંથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે, તો હાલ ત્યાંથી મોરબીના ભરતનગર સુધી પાણીની પાઈપલાઈન નાખવાથી ખેડૂતોને પાણી મળશે નહીં અને આગામી ઉનાળુ સિઝન આવી રહી છે. આ પ્રોજેક્ટને કારણે ઉનાળુ પાકની પણ વાવણી કરી શકાશે નહીં. દિન-પ્રતિદિન ખેડૂતોની પરિસ્થિતિ કથળી રહી છે.