- મોરબીમાં થયેલા એસીડ એટેક મામલે પરિણીતાને મળ્યો ન્યાય
- એસીડ એટેક કરનારને કોર્ટે ફટકારી આજીવન કેસની સજા
- ભોગ બનનારને 7.50 લાખના વળતરનો કોર્ટે આપ્યો ચુકાદો
મોરબીઃ મોરબીમાં 2 વર્ષ પૂર્વે બીજા લગ્ન કરનાર પરિણીતા પર પૂર્વ પતિએ એસીડ અટેક કર્યો હતો. જે બનાવમાં આરોપી પૂર્વ પતિને ઝડપી લઈને આ અંગે કોર્ટમાં કેસ ચાલતો હતો. જેમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આરોપી પૂર્વ પતિને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે જ ભોગ બનનારને 7.50 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.
પૂર્વ પતિને આજીવન કેદની સજા અને 7.50 લાખનું વળતર ચુકવવા આદેશ
કેસની મળતી માહિતી મુજબ મોરબીના વાઘપરામાં રહેતા બીન્તાબેન વિશાલભાઈ આડેસર નામની પરિણીતા પર તા. 19-02-2018 ના રોજ પૂર્વ પતિ કલ્પેશ મનસુખ ગઢિયાએ એસીડ અટેક કર્યો હતો. જે બનાવ અંગે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે, વર્ષ 2016 માં કલ્પેશ ગઢિયા સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા જેથી લગ્નના ટૂંકા સમય બાદ છૂટાછેડા લીધા હતા. તેમજ વિશાલ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. જેથી પૂર્વ પતિ કલ્પેશ દ્વારા નગર દરવાજા પાસે પરિણીતા પર એસીડ ફેકવામાં આવ્યું હતું. જે અંગે પોલીસ ફરિયાદ બાદ આરોપીની ધરપકડ કરાઈ હતી. જેની કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવતા પ્રિન્સીપલ ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલી જતા સરકારી વકીલ વી.સી.જાનીની દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઈને કોર્ટે આરોપી કલ્પેશને આજીવન કેદની સજા ફટકારી હતી. આ સાથે જ ભોગ બનનારને 7.50 લાખનું વળતર ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો.