માળિયા મહિલા શક્તિ સંગઠન અને સ્થાનિકો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું કે, સ્થાનિક સંગઠન વંચિત સમુદાયના હક્ક અધિકાર પર છેલ્લા 15 વર્ષથી અલગ-અલગ મુદા જેવા કે આરોગ્ય, શિક્ષણ, પંચાયતી રાજ, અન્ન સુરક્ષા અને આજીવિકા, હિંસા સામે ન્યાય અને મહિલા સશક્તિકરણ જેવા મુદા અંગે સંસ્થા લડત ચલાવી રહી છે. દરેક તાલુકાની સરખામણીએ માળિયા તાલુકાને પાયાની સુવિધામાં હંમેશા પાછળ રાખવામાં આવેલ છે. હાલના ચીફ ઓફિસરની માળિયા નગરપાલિકામાં નિમણુંક કરવામાં આવેલી છે. નિમણુંક થયા બાદ આજ સુધીમાં ચીફ ઓફિસર જોવા મળ્યા નથી.
ચીફ ઓફિસરની અનિયમિતતાને પગલે માળિયા પાલિકાના પ્રશ્નો વધતા જાય છે. જન્મ મરણ નોંધણી, BPL યાદી, 2017માં પુર દરમિયાન જે કુટુંબના અસલી આધાર પુરાવા પાણીમાં જતા રહયા છે. તે પણ લોકોને કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. જ્યારે વર્ષોથી વિસ્તારના પડતર પડેલા પ્રશ્નો જેવા કે રોડ રસ્તા, પીવાના પાણી, જાહેર શૌચાલય જેવા અનેક પ્રશ્નો છે. તાલુકો હોવા છતાં પણ એક બસ સ્ટેન્ડ નથી. જેથી માળિયા નગરપાલિકામાં ચીફ ઓફિસર મળે તો સમુદાયના પ્રશ્નો ઉકેલાશે, જેથી ચીફ ઓફિસરની અનિયમિતતા અંગે યોગ્ય પગલા લેવા અને પ્રશ્નોનો નિવેડો લઇ આવવા સ્થાનિકોએ માગ કરી છે.