પ્રાપ્ત માહિતી પ્રમાણે, મોરબીના વૃંદાવન પાર્ક સોસાયટીમાં રહેતા ધવલ ત્રિવેદીની બે વર્ષ સાત માસની દીકરી યશવીનું મૃત્યુ થયુ હતું. જેમાં પરિવારે બાળકીનું મોત સોફા પરથી પડી જઈ ઈજા પહોંચવાથી થયું હોવાનું કારણ આપ્યુ હતું. જો કે, બાળકીના શરીર પર મળી આવેલા ઈજાના નિશાનો હત્યા તરફ આંગળી ચીંધતા હોવાથી મૃતદેહને રાજકોટ ફોરેન્સિકમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.
ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં બાળકીનું ગુંગળામણથી મોત થયાનું સામે આવ્યું હતું, જેથી હત્યા થયાનો ખુલાસો થયો હતો. મૃતક બાળકીની માતા રીનાબેન ત્રિવેદીની ફરિયાદને આધારે B ડીવીઝન પોલીસે ફરિયાદીના પતિ ધવલ માધવલાલ ત્રિવેદી, લીવ ઇન રીલેશનમાં રહેતી રશ્મીબેન, ધવલના મોટાભાઈ સંજય અને પિતા માધવલાલ ત્રિવેદી એમ ચાર સામે બાળકીની હત્યાનો ગુનો નોંધી કાયદેસરની તપાસ ચલાવી હતી.
પોલીસે હત્યાની ફરિયાદ બાદ આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં બાળકની પાલક માતાએ રશ્મીબેને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જેમાં સામાપક્ષે સરકારી વકીલ ધર્મેન્દ્ર આદ્રોજાની દલીલોના કારણે રશ્મીની જામીન અરજી ના મંજુર કરવામાં આવી હતી.