નવી દિલ્હી : વક્ફ (સુધારા) બિલ, 2024 પર વિચારણા કરવા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ (JPC)માં સમાવિષ્ટ વિપક્ષી સાંસદોએ શુક્રવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખીને સમિતિના અધ્યક્ષ જગદંબિકા પાલની કાર્યપદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા હતા. સાથે જ 27 જાન્યુઆરીની સૂચિત બેઠક મોકૂફ રાખવાની માંગણી કરી છે.
JPC અધ્યક્ષની કાર્યપદ્ધતિ પર સવાલ : JPC સભ્ય એ. રાજા, કલ્યાણ બેનર્જી, અસદુદ્દીન ઓવૈસી, નસીર હુસૈન, અરવિંદ સાવંત, ગૌરવ ગોગોઈ, મોહમ્મદ જાવેદ, ઈમરાન મસૂદ, મોહિબુલ્લા નદવી, એમ. અબ્દુલ્લા વતી આ લખાયો હતો. આ પત્રમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, જગદંબિકા પાલ મનસ્વી રીતે બેઠકની તારીખ બદલી રહ્યા છે. શુક્રવારે યોજાયેલી બેઠકમાં જ્યારે સમિતિમાં સમાવિષ્ટ વિપક્ષી સાંસદોએ આ અંગે વાંધો ઉઠાવ્યો અને પોતાનો અભિપ્રાય રજૂ કરવા ઉભા થયા ત્યારે તેમણે વિપક્ષના 10 સભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા.
બેઠકની તારીખ બદલવા પર વાંધો : વિપક્ષી સાંસદોએ કહ્યું કે તેમના વાંધાઓ હોવા છતાં, પહેલા 24 અને 25 જાન્યુઆરીએ JPC બેઠક નક્કી કરવામાં આવી હતી. બાદમાં શુક્રવારે સવારે કહેવામાં આવ્યું કે, 25 જાન્યુઆરીની બેઠક 27 જાન્યુઆરીએ યોજાશે. અગાઉના નિયત સમયપત્રકના આધારે સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં તેમના કાર્યક્રમો નક્કી કર્યા છે. ઉપરાંત 30 જાન્યુઆરીએ આ બેઠકનું આયોજન કરવા વિનંતી કરી જેથી તમામ સભ્યો તેમના મંતવ્યો રજૂ કરી શકે, કારણ કે આ એક મહત્વપૂર્ણ બિલ છે.
JPC અધ્યક્ષ પર કર્યો ગંભીર આરોપ : વિપક્ષી સાંસદોએ કહ્યું કે, "અમે આ યોગ્ય મુદ્દાઓને અધ્યક્ષ સમક્ષ મૂક્યા, તેમણે જવાબ આપવાનો પ્રયાસ પણ કર્યો ન હતો. તે દરમિયાન, અધ્યક્ષે ફોન પર કોઈની સાથે વાત કરી અને અચાનક આશ્ચર્યજનક રીતે તેમણે ચિલ્લાઈને અમારા સસ્પેન્શન માટે આદેશ આપ્યો."
સૂચિત બેઠક મુલતવી રાખવાની માંગ : "અમારું માનવું છે કે JPC અધ્યક્ષ પાસે સમિતિના સભ્યોને સસ્પેન્ડ કરવાની સત્તા નથી. તેથી, વિનંતી કરવામાં આવે છે કે JPC અધ્યક્ષને કાર્યવાહી પારદર્શક રીતે ચલાવવાનો નિર્દેશ આપવામાં આવે. નિષ્પક્ષ રીતે અધ્યક્ષ 27મી બેઠક મુલતવી રાખવી જોઈએ જેથી વિપક્ષી સભ્યોને તેમના વિચારો રજૂ કરવા માટે પૂરતો સમય અને તક મળે."
વિપક્ષના 10 સાંસદો એક દિવસ માટે સસ્પેન્ડ : નોંધનીય છે કે, શુક્રવારે વક્ફ સુધારા બિલ 2024 પર સંયુક્ત સંસદીય સમિતિની બેઠક દરમિયાન હંગામા બાદ વિપક્ષના 10 સાંસદોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. સસ્પેન્ડ કરાયેલા સાંસદોમાં કલ્યાણ બેનર્જી, મોહમ્મદ જાવેદ, એ. રાજા, અસદુદ્દીન ઓવૈસી, નાસિર હુસૈન, મોહિબુલ્લા નદવી, એમ. અબ્દુલ્લા, અરવિંદ સાવંત, નદીમુલ હક અને ઈમરાન મસૂદ સામેલ છે.