રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીએ નવલખી બંદર ખાતે નવી જેટી બનાવવા માટેની રજૂઆતને સૌદ્ધાંતિક મંજૂરી આપી છે. આ જેટીનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ રૂ. 192.33 કરોડના અંદાજિત ખર્ચે હાથ ધરશે.
નવલખી બંદર ખાતે આ અંતર્ગત 485 મીટરની નવી અદ્યતન જેટીનું બાંધકામ કરવામાં આવશે. નવલખી બંદરની પ્રવર્તમાન કેપેસિટી 8 MMTPA છે તે વધારીને 20 MMTPA કરવાના હેતુસર આ નવી જેટીનું બાંધકામ થવાનું છે. આના પરિણામે બંદરની હાલની કાર્ગો હેન્ડલિંગ કેપેસિટીમાં વાર્ષિક 12 MMTPA વધારો કરવાનું આયોજન છે. રાજ્યનું નવલખી બંદર 1939થી કાર્યરત છે. આ બંદરની વ્યૂહાત્મક્તાને પરિણામે આ બંદરેથી ગુજરાત, ઉત્તર ભારત, મધ્ય ભારતના પાવર પ્લાન્ટ્સ માટે કોલસાનું વહન થાય છે.