મોરબીમાં રસ્તે રખડતા ઢોરોને પકડવાની ઝૂંબેશ શરુ કરવામાં આવી છે, ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા આવા ઢોર પકડ્યા બાદ તેના નિભાવ માટે પાંજરાપોળને અપીલ કરી હતી જેને સહર્ષ સ્વિકારી મોરબી પાંજરાપોળ પશુઓને સાચવી લેશે તેવી ખાતરી આપી છે. આ અંગે પાંજરાપોળના ટ્રસ્ટી વેલજીભાઈ પટેલ જણાવે છે કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી પાંજરાપોળમાં સેવા આપી રહ્યા છે અને હાલ ૪૦૦૦ પશુઓની દેખરેખ રાખવામાં આવી રહી છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ અને નાગરિકોના સહયોગથી પશુઓનો નિભાવ સારી રીતે કરી શકાય છે, તો હાલ કલેક્ટર અને નગરપાલિકા તંત્ર દ્વારા રસ્તે રખડતા ઢોર પકડવાની ઝૂંબેશ ચલાવાઈ રહી છે, આગામી દિવસોમાં વધુ ૨૦૦૦ જેટલા પશુઓની જવાબદારી પાંજરાપોળ સંભાળી લેશે.
મોરબી પાંજરાપોળમાં હાલ ૪૦૦૦ જેટલા પશુઓનો નિભાવ થઇ રહ્યો છે, મોરબીનો સિરામિક ઉદ્યોગ અને સેવાભાવી લોકો ઉદાર હાથે દાન આપી રહ્યા છે. જેથી પશુઓનો નિભાવ સરળ બન્યો છે. તો આ ઉપરાંત અનેક સેવાભાવીઓ પણ પાંજરાપોળમાં સેવા આપી રહ્યા છે, ત્યારે આવા જ એક સેવાભાવી બાબુભાઈ પટેલ જણાવે છે, કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી વેલજીભાઈ સાથે પાંજરાપોળમાં સેવા આપતા આવ્યા છે અને નિરાધાર જીવોની સેવા કરવી તેમને ગમે છે, મનને શાંતિ મળે છે. જેથી તેઓ આ કાર્યમાં જોડાયા છે.
આમ મોરબીમાં પ્રાણ પ્રશ્ન બની ગયેલા રસ્તે રખડતા ઢોરની સમસ્યા અંગે તંત્રએ ઢોર પકડ ઝૂંબેશ શરુ કરી છે અને પાંજરાપોળે પણ ઔદ્યોગિક નગરી મોરબીને આ ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે પશુઓને સાચવવાની જવાબદારી સ્વીકારી લીધી છે. જેથી એ દિવસો દૂર નથી કે, મોરબીમાંથી રસ્તે રખડતા ઢોરની સમસ્યા ભૂતકાળ બની જશે અને આ ઢોર પકડ ઝુંબેશને નાગરિકો પણ આવકારી રહ્યા છે.