મોરબી: કોરોના મહામારીમાં મોરબી જીલ્લામાં એક જ પોઝિટિવ કેસ છે, જો કે અમદાવાદ અને વડોદરા સહિતના મહાનગરોમાં સ્થિતિ ભયંકર બની રહી છે. ત્યારે મોરબી જિલ્લામાંથી એમ્બ્યુલન્સના વાહનનો ઉપયોગ કરીને અમદાવાદ જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી પોતાના પરિવારજનોની હેરાફેરી કરવામાં આવી હોવાનો પર્દાફાશ થયો છે. સાથે જ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે.
કોરોના લોકડાઉન વચ્ચે જરૂરી સેવાના વાહનો અને ઈમરજન્સી તેમજ પોલીસના વાહનો સિવાયના વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે અને તમામ જિલ્લાની ચેકપોસ્ટ પર પોલીસ તૈનાત છે. છતાં પણ મોરબી જિલ્લામાંથી એક એમ્બ્યુલન્સ અમદાવાદ દર્દીને લઈને ગયી હતી અને પરત ફરતી વેળાએ એક મુસ્લિમ પરિવારના સભ્યોને પરત લઈને આવી હતી. ત્યાં સુધી તંત્ર ઊંઘતું રહ્યું હતું અને પરત ફરતી વેળાએ આખરે આ ઈસમો ઝડપાઈ જતા તમામને વાંકાનેર સરકારી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરના રાજાવડલા ગામના મુસ્લિમ પરિવાર કોઈ મેડીકલ સેવા સાથે સંકળાયેલા નથી. છતાં તે એમ્બ્યુલન્સમાં બેસી ગયા હતા અહીંથી એક દર્દીને લઈને ગયા હોય અને અમદાવાદ આ વ્યક્તિના પરિવારજનો હોય જેને લઈને મોરબી પરત ફર્યા હતા. જો કે આ ઈસમો મોરબી જિલ્લામાં પ્રવેશે તે પૂર્વે ઝડપાઈ ગયા હતા અને વાંકાનેર પોલીસને જાણ કરતા તમામ સાત લોકોને વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે.
જો કે અમદાવાદ જ્યાં કોરોનાએ ભયંકર સ્વરૂપ ધારણ કર્યું છે અને છેલ્લા 48 કલાકમાં કેસોની સંખ્યા ભયંકર રીતે વધી છે. ત્યારે અમદાવાદથી પોતાના પરિવારજનોને પરત લાવવાની ચેષ્ટા કરનાર ઇસમ સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને ગુનો નોંધવો જોઈએ તેવી માંગ ઉઠી રહી છે સાથે જ એમ્બ્યુલન્સનો દુરુપયોગ કરનાર સ્ટાફ સામે પણ પગલા લઈને આવા કૃત્યો અટકાવવા જરૂરી હોવાની ચર્ચા જોવા મળી રહી છે.