મોરબી અને લાલપર ગામ નજીક અકસ્માત, અલગ અલગ અકસ્માતમાં 2ના મોત - મધ્યપ્રદેશના યુવકનો અકસ્માત
મોરબીમાં આજે શનિવારે અકસ્માતના 2 બનાવ બન્યા છે. આ બન્ને અકસ્માતમાં 1-1 વ્યક્તિનું મોત થયું છે. જેથી પોલીસે ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
- મોરબીમાં એક દિવસમાં 2 અકસ્માત
- બન્ને અકસ્માતમાં એક એકનું મોત
- પોલીસે ફરિયાદ દાખલ કરી
મોરબીઃ શહેરમાં આજે શનિવારે 2 અકસ્માતના બનાવ સામે આવ્યા છે. જેમાં આમરણ ગામથી ધૂળકોટ જવાના રસ્તા પર ત્રિપલ સવારી બાઈક ગાય સાથે અથડાયું હતું. આ અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનું મોત થયું છે, જયારે અન્ય 2ને ઈજા પહોંચી છે. આ સાથે જ બીજા અકસ્માતમાં લાલપર ગામ નજીક ટ્રક અને બાઈક અથડાયા હતા. જેમાં બાઈક સવાર આધેડનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થયો હતો. જેથી પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અકસ્માતમાં આદિવાસી યુવાનનું મોત
મૂળ MPના વતની અને હાલ ધૂળકોટ ગામની સરદહમાં રહેતા વિક્રમ આદિવાસીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે લખ્યું કે, બાઈક GJ 10 BKU 0285ના ચાલક મુકેશ આદિવાસી ત્રિપલ સવારી બાઈક ચલાવી આમરણ ધૂળકોટ ગામના રસ્તે જઇ રહ્યા હતા. જેમાં બાઈક ગાય સાથે અથડાતા વિક્રમ આદિવાસી અને બીરસિંગ યેર્સુભાઈ હટીલાને ઈજા પહોંચી હતી. આ ઉપરાંત અકસ્માતમાં બાઈક સવાર મુકેશ પલાસીયા નામના આદિવાસી યુવાનનું મોત થયું છે.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર
મોરબીના ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડ પર રહેતા વિજયસિંહ ધર્મેન્દ્રસિંહ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમના પિતા બાઈક GJ 03 EK 2028 લઈને જતા હતા. આ દરમિયાન લાલપર ગામ નજીક ટ્રક ટ્રેઇલર RJ 19 GG 2833ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાઈકસવાર ધર્મેન્દ્રસિંહ પરમારને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું. આ ઘટના બાદ ટ્રક ચાલક વાહન મૂકી ફરાર થયો હતો. જેથી તાલુકા પોલીસે અકસ્માત અંગે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.