બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીથી રાજકોટ જતી ઇન્ટરસીટી બસ નં GJ 18 Z 4498માં એક વિકલાંગ વૃદ્ધ મુસાફરી કરી રહ્યા હતા અને બસ મારવાડી યુનીવર્સીટી નજીક પહોંચી ત્યારે ઓચિંતા પેરાલીસીસ અટેક આવ્યો હતો. જેને પગલે બસના ડ્રાઈવર, કંડકટર તેમજ મુસાફરોએ હાથ પગ દબાવવા સહિતની તાકીદની કામગીરી કરી હતી, પરંતુ વૃદ્ધ ભાનમાં ન હોય અને તાકીદે હોસ્પિટલ લઇ જઈને સારવારની જરૂરિયાત હોય જેથી તુરંત 108ને ફોન કરવામાં આવ્યો હતો અને વિકલાંગ વૃદ્ધને હોસ્પિટલ ખસેડાયા હતા.
મુસાફર પાસેથી ઓળખપત્ર મળી આવ્યું હતું જેમાં એસટી દ્વારા મફત મુસાફરી માટેના વિકલાંગ ઓળખપત્રમાં વૃદ્ધ કનુભાઈ તળશીભાઈ વાઘરી ઉમર 55 હોવાનું જાણવા મળ્યું છે. જોકે તેની સાથે કોઈ મુસાફરી કરતુ ન હોય જેથી બસમાં સવાર અન્ય મુસાફરો પણ મૂંઝાયા હતા અને વૃદ્ધના પરિવારજનો સાથે તેનો જલ્દી ભેટો થાય તેવી પ્રાર્થના કરી હતી. બીમાર વૃદ્ધના સગા સ્નેહીઓને તુરંત રાજકોટ સિવિલ હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવ્યું હતું.