મોરબીઃ કોરોના મહામારી સામે જીવના જોખમે ફિલ્ડમાં કામ કરતા પોલીસ જવાનોને કોરોના સંક્રમણથી સુરક્ષિત રાખવાના હેતુથી મોરબીના પોલીસ જવાન દ્વારા હેન્ડ વોશ વાહન તૈયાર કરવામાં આવ્યું છે. જેને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
કોરોના મહામારી વચ્ચે પોલીસ જવાનો સતત પોતાની ફરજના સ્થળ પર હાજર હોય છે. જેથી મોરબીના પોલીસ જવાન ચકુભાઈ કરોતરાએ પોલીસ હેન્ડ વોશ વાહન તૈયાર કર્યું છે. જેમાં એક ટાંકીમાં પાણી ભરી સેનિટાઈઝર તેમજ હેન્ડ વોશ અને સાબુ સાથે રાખી આ વાહન જિલ્લાના દરેક પોઈન્ટ પર ફરશે અને પોલીસ જવાનોને હેન્ડ વોશની સગવડ કરી આપશે.
SP કચેરી ખાતે સાંસદ મોહનભાઈ કુંડારિયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારા, હળવદના ધારાસભ્ય, તેમજ કલેક્ટર, અધિક કલેક્ટર અને SP સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વાહનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.