મોરબીઃ વાંકાનેરમાં લોકડાઉન દરમિયાન એક બોગસ ડૉકટરની જન આરોગ્ય સાથે ચેડાં કરવાની ગંભીર બેદરકારી સામે આવી હતી. જેમાં બોગસ તબીબ કોરોના પોઝિટિવ થયા બાદ પણ મેડિકલ પ્રેક્ટિસ ચાલુ રાખતા 2થી 3 દર્દીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ગંભીર બેદરકારી બાદ વાંકાનેર પોલીસે બોગસ ડૉકટર સામે જન આરોગ્ય સાથે ચેડાં કરવાનો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટાફે સોમવારે બાતમીના આધારે વાંકાનેર નવા બસ સ્ટેન્ડ સામે આવેલા ક્લિનિકમાં દોરડો પાડ્યો હતો. ત્યારે ક્લિનિક ચલાવતા હરેશ હિમતલાલ ભટ્ટ નામના વૃદ્ધે પોતાના ક્લિનિકમાં કોઇપણ પ્રકારની મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગેની ડિગ્રી વગર બીમાર દર્દીઓની સારવાર કરતા તેમજ વિલાયતી એલોપથી દવાઓનો જથ્થો રાખી કુલ કિંમત રૂપિયા 7643.69ની વિલાયતી એલોપથી દવાઓ તથા મેડિકલ સાધનો રાખી મળી આવતા પોલીસે તેમની ધરપકડ કરીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બોગસ તબીબ લોકડાઉન દરમિયાન કોરોનાથી સંક્રમિત થયા હતા. વાંકાનેર શહેરમાં આવેલા ક્લિનિક અને સિધાવદર ગામે આવેલા તેમના ક્લિનિકમાં પણ જન આરોગ્ય જોખમાય તે રીતે પ્રેક્ટિસ ચાલુ રાખતા આ બોગસ ડૉક્ટરથી બેથી ત્રણ વ્યક્તિઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. આ ગંભીર બેદરકારીનો જે તે વખતે જબરો ઉહાપોહ મચ્યો હતો. ત્યારે હવે વાંકાનેર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.