મોરબી : ટંકારા તાલુકાના 20 ગામના 303 ખેડૂતોને ગત વર્ષની કૃષિ સહાય મળી ન હોવાથી રાજ્ય સરકાર દ્વારા બાકી રહેતી 16 લાખ જેટલી રકમ ફાળવવા ખેડૂતો માગ કરી રહ્યા છે, જ્યારે ગત વર્ષે ટંકારામાં અનરાધાર વરસાદને પગલે જમીન ધોવાણથી લઇ તૈયાર થયેલી જણસ બગડી ગયા બાદ રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સીધા બેંક ખાતામાં કૃષિ સહાય અંતર્ગત રાહત પેકેજ ફાળવણી કરી હતી. જેમાં અપૂરતી ગ્રાન્ટને કારણે 154 ખેડૂતો અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનને કારણે 149 ખેડૂતોને યોજનાનો લાભ એક વર્ષ થઇ ગયા છતાં ન મળ્યો હોય અને 20 ગામના ખેડૂતો સહાયથી વંચિત છે.
303 જેટલા ખેડૂતોને પાક સહાય ન મળતા ખેડૂતોની હાલત ખરાબ થઇ છે, તો ચાલુ વર્ષ પણ ભારે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના પાકની ગુણવતા નબળી પડી છે. જેથી ભાવ પુરતા મળ્યા નથી જે એક સહાય બાકી છે, ત્યાં બીજી સહાયના ફોર્મ ભરવાના શરુ થયા છે. ખેડૂતો અસમંજસમાં છે કે, ગત વર્ષની સહાય મળી નથી તો આ સહાય માટે ફોર્મ ભરવા કે નહીંં ?
ટંકારા તાલુકાના સાવડી ગામમાં 20 ખેડૂતોએ પાક નુકસાની સહાય માટે ગત વર્ષ ફોર્મ ભર્યા હતા અને તાલુકા પંચાયત કચેરીએ અવારનવાર ધક્કા ખાવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. તો સાવડી ગામના વાઘજીભાઈ જણાવે છે કે, 14.50 વિઘા જમીન છે અને ગત વર્ષ મગફળીની વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં મગફળીનું વેવતર નિષ્ફળ જતા કૃષિ સહાય માટે અરજી કરી હતી, પરંતુ હજૂ સુધી તેમને સહાય મળી નથી.
આ અંગે ટંકારા તાલુકા ખેતીવાડી અધિકારી જણાવે છે કે, કચેરી દ્વારા 154 બાકી ખેડૂતો જયારે 149 ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે, જેની સહ્હાય માટે ઉપરની કચરીમાં જાણ કરીને સરકાર પાસે માંગણી કરી હતી, જે મંજૂર થઇ છે અને અમારી પાસે આવતાની સાથે જ અમે વહેલી તકે ખેડૂતોને સહાય આપી દેશું.
ભારે વરસાદને કારણે ખેતરમાં ઉભા પાકને નુકસાની આવતી હોય છે. સરકાર દ્વારા ખેડૂતોને રાહત મળી રહે તે માટે યોજનાઓ અમલમાં લાવે છે, પરંતુ તે યોજના ખરેખર ખેડૂતો સુધી પહોચતી નથી અને ખેડૂતો લાભથી વંચિત રહે છે. જે કારણે ખેડૂતોની પરિસ્થિતિ કથળી થઇ રહી છે