વાંકાનેર: વાંકાનેરમાં ગેરકાયદે ધમધમતા ટોલનાકા પ્રકરણનો પર્દાફાશ થયા બાદ તંત્ર હરકતમાં આવ્યું હતું અને પોલીસ ફરિયાદ નોંધી હતી. જોકે ફરિયાદ નોંધાયાના કેટલાંય દિવસો વીતી ગયાં હોવા છતાં માત્ર ૨ આરોપી સુધી પોલીસ પહોંચી શકી હતી. ફરિયાદ નોંધાયાને સવા મહિનો વીત્યા બાદ વધુ ત્રણ આરોપીને ઝડપી લેવાયા છે, પરંતુ મુખ્ય સુત્રધાર અમરશી પટેલ હજી પણ પોલીસ પકડથી દૂર છે.
કોની સામે ફરિયાદ: વાંકાનેરના વઘાસીયા નજીક ગેરકાયદે ટોલનાકું ધમધમતું હોવાના મીડિયાના અહેવાલો બાદ વાંકાનેર સીટી પોલીસમાં ફરજ બજાવતા યશપાલસિંહ પરમારે વાંકાનેર તાલુકાના વઘાસીયા ગામ ખાતે આવેલા વ્હાઈટ હાઉસ સિરામિક ફેકટરીના માલિક અમરશીભાઈ જેરામભાઈ પટેલ, રવિરાજસિંહ વનરાજસિંહ ઝાલા, હરવિજયસિંહ જયુભા ઝાલા, ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને તેની સાથે અજાણ્યા માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં વ્હાઈટ હાઉસ સિરામિકમાં પોતે બનાવેલ રસ્તા પર વાહનચાલકોને કોઈપણ જાતની સત્તા વિના ગેરકાયદેસર રીતે બળજબરીથી લઇ જઈને ટોલપ્લાઝા દ્વારા નિયત કરેલ દર કરતા ઓછો ટોલ ઉઘરાવી સરકારને આર્થિક નુકશાન પહોંચાડી પોતે આર્થિક લાભ મેળવતા હોવાનો ઉલ્લેખ થયો હતો.
વધુ ૩ આરોપી ઝડપાયા, હજુ એક આરોપી ફરાર: આ અંગેની ફરિયાદ નોંધાયા બાદ કેટલાંય દિવસો સુધી આરોપીઓ પોલીસને હાથ લાગ્યા ન હતા અને બાદમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. જોકે આરોપીને ઝડપી લેવા પોલીસ સતત તપાસ ચલાવી રહી છે. જેમાં વધાસીયા ગામની સીમમાંથી વધાસીયા ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા, યુવરાજસિંહ બહાદુરસિંહ ઝાલા અને હિતેન્દ્રસિંહ જટુભા ઝાલાની ધરપકડ કરી હતી તો આરોપી અમરશીભાઈ પટેલ હજુ પણ પોલીસ પકડથી દુર જોવા મળી રહ્યા છે.