વિસનગર એ.પી.એમ.સી દ્વારા તાલુકાના 247 અતિકુપોષિત બાળકોને દત્તક લઇ નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત એ.પી.એમ.સી દ્વારા કુપોષિત બાળકોને સીંગ, ગોળ, ચણા, ખજુર સહિત પ્રોટીન વિથ વિટામીન્સ મિનરલ્સ એન્ડ ડીએચએ પાઉડર અને દુધ આપવામાં આવ્યું છે. જે માટે એ.પી.એમ.સી વિસનગર માસિક 99335 રૂપિયાનો ખર્ચ ઉઠાવશે.
બાળકોને સુપોષિત કરવા જિલ્લા કક્ષાએ વહીવટીતંત્ર દ્વારા ટાસ્કફોર્સ, એકશન પ્લાન અને ફોલોઅપ કરી કમર કસવામાં આવી રહી છે. તો જિલ્લાને સંપૂર્ણ કુપોષણ મુક્ત બનાવવા માટે સમાજ સંગઠનો અને સેવાભાવી સંસ્થાઓને પણ આગળ આવવાની જરૂર છે.
રાજ્ય સરકારે આંગણવાડી બાળકો સાથે સગર્ભા અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓના પોષણ માટે પણ આર્યન ટેબ્લેટ, રેડી-ટુ-ઇટ પોષક આહાર, દૂધ સંજીવની તહેત પોષણયુક્ત દૂધ વગેરે પૂરાં પાડીને સ્વસ્થ-તંદુરસ્ત અને સુપોષિત રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ કર્યો છે.