- મહેસાણામાં કડી સીમકાર્ડ વેચતા લોકો સામે પોલીસની લાલ આંખ
- SOG એ બાતમી આધારે પરા વિસ્તારમાં પાડ્યા દરોડા
- SOGના દરોડામાં ડમી સીમકાર્ડ વેચવાનું કૌભાંડ આવ્યું સામે
મહેસાણા: જિલ્લા સહિત રાજ્યમાં બનતી ગુનાહિત ઘટનાઓ પાછળ મોટાભાગે ડમી સીમકાર્ડ અને મોબાઈલ જવાબદાર હોય છે. ત્યારે મહેસાણા જિલ્લા પોલીસને મળેલ બાતમીના આધારે મહેસાણા SOGની ટીમે શહેરના પરા વિસ્તારમાં રેડ કરી 21 સીમકાર્ડ સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે.
ડમી ગ્રાહક મોકલી પોલીસે હાથ ધર્યું ઓપરેશન
પરા વિસ્તારમાં આવેલ કુદરત મોબાઈલ નામની દુકાને એક ગ્રાહકના ડોક્યુમેન્ટ લઈ ગ્રાહક સિવાય અન્ય લોકોને સીમકાર્ડ એક્ટિવ કરી આપી ડમી સીમકાર્ડ વેચવાનું મસમોટું રેકેટ ચાલતું હતું. જેમાં ગુનેગારો માટે ડમી સીમકાર્ડ મદદરૂપ સાબિત થતા હતા. જોકે, પોલીસ પણ ગુનાનું પગેરું શોધવામાં અસમંનજસમાં મુકાતી હતી. ત્યારે પોલીસને મળેલી ચોક્ક્સ બાતમીના આધારે ડમી સીમકાર્ડના વેચાણ મામલે આ કુદરત મોબાઈલમાં દરોડા પાડવા ડમી ગ્રાહક મોકલી ઓપરેશન કરતા દુકાનદાર દ્વારા કોઈ પણ પ્રકારના દસ્તાવેજ માગ્યા વિના જ 1000 રૂપિયામાં સીમકાર્ડ આપવામાં આવ્યું હતું. જે આધારે પોલીસની ટીમે દરોડા પાડી દુકાનમાં તપાસ કરતા 21 ડમી સીમકાર્ડ મળી આવ્યા હતા.
મહેસાણા એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી
જે આધારે પોલીસે દુકાનમાં હાજર અલ્પેશ પટેલ અને ઉમંગ પંચાલની અટકાયત કરી ધરપકડ કરી હતી. જ્યારે આ ગુન્હામાં ડમી સીમકાર્ડ લાવી આપનાર અન્ય એક શખ્સ રીંકેશ ગોસ્વામી ફરાર છે. મહેસાણા SOG એ ડમી સીમકાર્ડ વેચાણ કૌભાંડ ઝડપી પાડી મહેસાણા એ.ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધવતા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.