મહેસાણા: શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર નિર્માણ ઉસકી ગોદમેં ખેલતે હે..! આ યુક્તિને સાર્થક કરતા આજે મહેસાણાના એક શિક્ષકે પોતાની કલાને અનોખી રીતે પ્રગટ કરી બતાવી છે.
નિલેશભાઈ રામી કે જેઓ પ્રાથમિક સરકારી શાળાના શિક્ષક છે અને તેમના પત્ની પણ શિક્ષિકા છે. તેમણે ટેલિવિઝન પર કલા-કાર્યક્રમ નિહાળતા સાબુ પર ગણેશજીની કોતરણી જોયા બાદ પોતે ચોક પર કોતરણી કામ શરૂ કર્યું હતું. જેના પરિણામે તેમને એક સુક્ષ્મ ગણપતિની કોતરણી કરી ચોકના ગણેશજી બનાવ્યાં હતાં. જે જોઈ શિક્ષકની દીકરીએ ચોકમાંથી રમકડાં બનાવવા જીદ કરતા તેમની આ કલાને વધુ પ્રોત્સાહન મળ્યું હતું. ત્યાર બાદ તેમણે ચોકમાંથી કોતરણી કરી ભિન્ન ભિન્ન વસણો, જુદા-જુદા વન્ય પ્રેમીઓ, વિવિધ દેવતાને મહાપુરુષોની પ્રતિમાની કોતરણી કરી જુદી જુદી જગ્યા પરના પ્રવાસમાં કે, ફિલ્મી દ્રશ્યોમાં જોવા મળતા ચિહ્નો પ્રતીકોને સમય સંજોગ મુજબ આબેહૂબ પોતાની કલાને ચોક પર કંડારી આજે 130 જેટલી જુદી જુદી રચનાઓ રચી છે.
આ શિક્ષક છેલ્લાં ઘણા વર્ષોથી વિદ્યાર્થીઓને ભણાવવામાં પણ આ ચોકથી નિર્મિત વસ્તુઓને પ્રત્યક્ષ જ્ઞાન રૂપે દર્શાવે છે. જેમાં સસલા અને કાચબાની વાર્તા, બર્નિંગ ટ્રેન, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શિવ મહિમા અને શિવલિંગ, એ.બી.સી.ડી., લાફટિંગ બુઢ્ઢા, માતૃપ્રેમ, વિશ્વની અજાયબી તાજમહેલ સહિતની સુક્ષમ પ્રતિમાઓ જોઈ બાળકો સહિત મોટેરા પણ આશ્ચર્ય અનુભવે છે.
પ્રાથમિક શાળાના આ શિક્ષકે પોતાની આ કલા શાળાના વિદ્યાર્થીઓ અને પોતાના બે સંતાનોને શીખવાડવાનું શરૂ કર્યું છે. જેથી વેસ્ટ ચોકના ટુકડામાંથી બેસ્ટ કલાકૃતિ તૈયાર થઈ શકે, ત્યારે હાલમાં આ શિક્ષક માત્ર ચોક અને ટાંકણીથી કોતરણી કરી કલાકૃતિ તૈયાર કરતા ફેવિકોલનું પાણી ચડાવી તેને વાતાવરણમાં ટકાવી રાખવા આવરણ પૂરું પાડે છે, ત્યારે ખરેખર આ શિક્ષકની ચોક પરની કોતરણીએ લોકોને મંત્રમુગ્ધ બનાવી દીધા છે.