- આગ લાગવા પાછળ શોર્ટસર્કિટ મુખ્ય કારણ જોવા મળ્યું
- ઇલેક્ટ્રિક ઉપકરણોનો યોગ્ય ઉપયોગ કરવાથી અને ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરવા ફાયર વિભાગનું સૂચન
- 2 મહિનામાં 10 ડેડ બોડી બહાર કાઢવામાં આવી અને 17 પશુ-પંખીઓને બચાવાયા
મહેસાણાઃ જિલ્લામાં રહેણાંક અને ઔદ્યોગિક એકમો હોવાથી ઇન્ડસ્ટ્રીયલ અને રેસીડેન્સિયલ સાથે એગ્રીકલ્ચર વિસ્તાર પણ આવેલો છે, ત્યારે જિલ્લાના મુખ્યમથક એવા મહેસાણા શહેરમાં પાલિકા હસ્તક અગ્નિશામક દળની ફરજ બજાવતા મહેસાણા ફાયર વિભાગમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં કુલ આપત્તિજનક ઘટનાઓની માહિતી મેળવતા મહેસાણા ફાયર ટીમને માત્ર બે મહિનામાં કુલ 71 કોલ મળ્યા છે. જેમાં આગ લાગવાના 38, પશુ-પંખીને બચાવવાના 17, 10 ડેડ બોડી શોધી બહાર કાઢવા સહિતની આપાતકાલિન ઘટનાઓમાં ફાયર ટીમે પોતે જહેમત ઉઠાવી રાહત કામગીરી કરી બતાવી છે.
આ પણ વાંચોઃ સુરતની આયુષ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનામાં 5 લોકોનું સારવાર દરમિયાન મોત
મહેસાણા ફાયર ટીમને 2 મહિનામાં 38 ફાયર કોલ મળ્યા
મહેસાણા નગરપાલિકાના ફાયર વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે માર્ચ અને એપ્રિલ એમ છેલ્લા 2 મહિનામાં 38 કોલ આગ લાગવાના મળ્યા હતા. ક્યાંક કોઈ મકાન તો ક્યાંક દુકાન , ફેકટરી અને ખેતરમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવી હતી. જેને લઈ ફાયર ટીમના જવાનો દ્વારા પર્યાપ્ત સાધન સામગ્રી સાથે બચાવ કામગીરી કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે.
આગના બનાવમાં મોટાભાગે શોર્ટસર્કિટ કારણ મુખ્ય રહ્યું છે
મહેસાણા નગરપાલિકા ફાયર ટીમને બે મહિનામાં કુલ 38 આગ લગાવની ઘટના સામે આવી હતી. જ્યાં ફાયર ફાઇટર જવાનોએ બચાવ કામગીરી કરી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, મોટાભાગના બનાવોમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાની ઘટનાઓ સામે આવી છે, ત્યારે ખામીયુક્ત ઇલેક્ટ્રિક ઉપકરણો કે નબળું વાયરિંગ હોવાથી આગ લાગવાની શક્યતા વધી જાય છે. જો કે, આ ઘટનાઓમાં કોઈ જાનહાનિ સામે આવી નથી અને માલ-સામાનની નુક્સાનની ફાયર વિભાગ પાસે કોઈ માહિતી હોતી નથી.
આ પણ વાંચોઃ પીપરટોડામાં વન વિભાગની વાડીમાં પડેલી ઘાસમાં લાગી ભીષણ આગ
આગ લાગવાની ઘટનાઓથી બચવા સાવધાની જરૂરી
મહેસાણા ફાયર ટીમના મુખ્ય અધિકારી હરેશભાઈના જણાવ્યા અનુસાર, આગ લાગવા પાછળ છેલ્લા 2 મહિનામાં શોર્ટસર્કિટ થયું હોવાનું કારણ જાણવા મળ્યું છે. ત્યારે મહત્વની વાત એ છે કે, ઇલેક્ટ્રિક ઉપકરણો યોગ્ય હોય તેવા જ વપરાશ કરવા, ખામીયુક્ત ઇલેક્ટ્રિક ઉપકરણોનો ઉપયોગ ન કરવો અને જે તે ઇમારતમાં ઇલેક્ટ્રિક વાયરિંગ કરવામાં આવે તે યોગ્ય ગુણવત્તા સાથેનુ કરવું જોઇએ. જ્યારે પણ બિલ્ડીંગ નિર્માણ થાય કે ઉપયોગમાં લેવાતું બિલ્ડીંગ હોય ત્યારે ફાયર સેફટી વિશે ધ્યાન આપવું જોઈએ. નિયમોનુસાર ફાયર સેફટીના સાધનો રાખવા અને સમયાંતરે ચેક કરાવતા રહેવું જોઈએ. આગ લાગવાના બનાવ બાબતે સાવધાની રાખવી એ જ મોટી સલામતી છે.