વિજાપુરના દેવડાગામના 80 વર્ષના સીતાબા બારોટ પતિના મૃત્યુ બાદ એકલા રહેતા હતા. એક મિલકતની બાબતે માતાને તરછોડનાર પુત્ર માટે એક કહેવત પ્રમાણે આજે છોરું કછોરું થાય પણ માવતર ક માવતર ન થાય તેવી સ્થિતિમાં માતાને તરછોડતા કછોરું બની દીકરો કહેવતને સાચી કરી રહ્યો છે. એક વિધવા માતાને એકલવાયા જીવનમાં મૂકી દઈ જમીન માટે મારમારી કરી ત્રાસ આપવામાં આવતો હતો. જેની સામે માતા સ્થાનિક પોલીસની મદદ માટે પહોંચી હતી.
જો કે, સ્થાનિક પોલીસની મદદ ન મળતા ચોર ઉલ્ટા કોટવાલ કો ડાટે જેવી સ્થિતિ આ વૃદ્ધા માટે સર્જાઈ હતી. ત્યારે વૃદ્ધા પોતાની આંખમાં વરસતા આંસુ સાથે મહેસાણા નાયબ પોલીસ અધિક્ષક મંજીતા વણઝારાને મળી પોતાની આપવીતી જણાવી હતી. મહિલા પોલીસ અધિકારીનું હૃદય પણ ઘટના સાંભળીને કંપી ઉઠ્યું હતું. જ્યાં મહિલા પોલીસ અધિકારી મંજીતા વણઝારાએ પોતાની માતાની જેમ 80 વર્ષીય વૃદ્ધા સાથે લાગણી જતાવી આશ્વાસન આપ્યું હતું. પરંતુ પુત્રના મારથી ગભરાયેલા વૃધ્ધાએ ઘરે નહિ પણ વૃદ્ધાશ્રમ જવા જીદ કરી હતી. જો કે, વૃદ્ધાશ્રમ જવાના પૈસા ન હોઈ લાચાર વૃદ્ધાને DYSP મંજીતા વણઝારા પોતાની ગાડીમાં મહેસાણા ખાતે આવે નાગલપુરના વૃદ્ધાશ્રમમાં એક વર્ષનું મેન્ટેન્સ ચૂકવી ત્યાં સલામત છોડી આવ્યા હતા. ત્યારે પુત્રના મારથી ભયમુક્ત બની આજે 80 વર્ષીય સીતાબા બારોટ વૃદ્ધાશ્રમમાં પોતાના એક નવા પરિવાર સાથે જોડાઈ હળી-મળી ગયા છે. તો દીકરી સમાન પોલીસ અધિકારીને હૃદયના ભાવથી આશીર્વાદ આપી રહ્યા છે. આમ આજે એક ભયભીત માતાને પોલીસ ઓફિસર દીકરીનો સહારો તો મહેસાણાના DYSP મંજીતા વણઝારાને સમાજની સેવા કરી એક વૃદ્ધાને મદદરૂપ થઈ હરખાતી મમતા જોવા મળી છે. અને તેઓ પોતાની માતા તરીકે આ વૃદ્ધાનો ખર્ચ ઉઠાવી રહ્યા છે. પરંતુ સમાજે પણ જાગૃત થવાની જરૂર છે.