મહેસાણા: જિલ્લામાં લોકડાઉન વચ્ચે ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને સરકારનો માર્કેટયાર્ડ શરૂ કરવાનો નિર્ણય સફળ રહ્યો હતો. જેમાં તંત્રના માર્ગદર્શન હેઠળ માર્કેયાર્ડમાં આવતા પ્રત્યેક વ્યક્તિને માસ્ક પહેરવા ફરિયાત કરવામાં આવ્યુું હતું. તેમજ હેન્ડવોશ સહિત ટેમ્પરેચર ગનથી તપાસ કરી સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરની પૂરતી તકેદારી રાખવામાં આવી હતી.
જિલ્લાના અંદાજે 1350 જેટલા રજીસ્ટ્રેશન કરેલા ખેડૂતોને યાર્ડમાં માલ વેચવાની મંજૂરી આપી માલની હરાજી કરવામાં આવી હતી. તો વિસનગર માર્કેટયાર્ડમાં વેપારીઓએ પણ રજીસ્ટ્રેશન કરી આવેલ 49 ખેડૂતોના માલની ગુણવત્તાનું અનુમાન લગાવી ઘઉંના 322 થી 423, બાજરીના 465 અને ચણાના 725થી 754 જેટલા ભાવ બોલાયા છે.
બીજી તરફ વિસનગર માર્કેટયાર્ડમાં ચેરમેને પ્રથમ દિવસની વ્યવસ્થામાં સોશિયલ ડિસ્ટન્સ માટે વેપારીઓ બેજવાબદાર હોવાનું જણાતા આવતીકાલથી દરેક ખેડૂતનો માલ જે તે વેપારીની પેઢીમાં લઈ જઈ સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે હરાજી અને વેપાર કરવા આયોજનમાં સુધારો કર્યો છે.