મહેસાણા : મહત્વનું છે કે, આજે જ્યારે મહેસાણા જિલ્લામાં કોવિડ-19ના મોટાભાગના દર્દીઓ વડનગરની સરકારી મેડિકલ કોલેજમાં સારવાર લઈ રહ્યા છે. ત્યાં હોસ્પિટલમાં કામ કરતો 160 જેટલો નર્સિંગ સ્ટાફ પગાર મામલે થતા ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે હડતાળનું શસ્ત્ર ઉઠાવી કામથી અળગો રહ્યો છે. છેલ્લા ચાર વર્ષથી વડનગરની સરકારી મેડિકલ કોલેજમાં રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની એજન્સીને કરાર આધારિત સ્ટાફ મૂકવાનું ટેન્ડર આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ એજન્સી થકી ફરજ બજાવતા નર્સિંગના કર્મચારીઓના પગારના ભાવ રૂપિયા 21,364 લેખે એજન્સી અને સરકાર દ્વારા નક્કી કરાયેલા છે. છતાં જુદા જુદા ટેક્ષ અને વિમા પોલીસીના નામે તેમજ ખોટા વહીવટમાં પૈસા કાપી લઈ કર્મચારીઓને માત્ર રૂપિયા 12,033 પગાર આપવામાં આવી રહ્યો છે. ત્યારે પોતાને મળતા હકના પૈસા લેવા માટેની માગ સાથે નર્સિંગ સ્ટાફ દ્વારા હડતાળ કરી અવાજ ઉઠવવામાં આવ્યો છે.
જોકે કર્મચારીઓની રજૂઆતનો અવાજ દબાવવા તેમને નોકરીમાંથી હાંકી કાઢવા અને રજીસ્ટ્રેશન રદ કરવા સુધીની ગંભીર ધમકીઓ આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરાયો છે. તો આજે સમગ્ર મામલાને લઈ હડતાળ કરી રહેલ નર્સિંગ સ્ટાફને હોસ્પિટલમાં પ્રવેશ ન આપતા તમામ લોકોએ ખાનગી શોપિંગ સેન્ટરમાં બેસી રહી પોતાની માગ સાથે અડગ રહી દિવસ વિતાવ્યો હતો. જો કે હજુ સુધી આ કર્મચારીઓના પગાર મામલે કોઇ યોગ્ય નિવેડો આવ્યો નથી.
વડનગર સિવિલ હોસ્પિટલમાં ઉદ્ઘાટન થયું, ત્યારથી લઇને અત્યાર સુધી માત્ર રાજદીપ એન્ટરપ્રાઇઝ નામની એક એજન્સીનું ટેન્ડર મંજૂર કરાયું છે. ત્યારે છેલ્લા 4 વર્ષથી કરાર આધારિત એજન્સી થકી કામ કરતા નર્સિંગ સ્ટાફને મળવાપાત્ર વેતન ન મળતું હોવાના ગંભીર આક્ષેપ વચ્ચે આ ભ્રષ્ટાચારને છાવરવામાં રાજ્યના પૂર્વ પ્રધાનોએ પણ હાથ કાળા કર્યા હોવાનો શૂર રેલાઈ રહ્યો છે. ત્યારે જોવું રહેશે કે હાલમાં મેડીકલ ક્ષેત્રે જીવન જોખમે સેવા આપતા આ નર્સિંગ સ્ટાફને તેમની મહેનતનો પૂરતો કોળિયો ક્યારે મળે છે..?