મહેસાણાઃ જિલ્લાના ઊંઝામાં આવેલા એશિયાના પ્રથમ શ્રેણીના માર્કેટયાર્ડમાં જીરું, વરિયાળી અને ઇસબગુલ સહિતની ખેત પેદાશોનો કરોડોનો રૂપિયાનો વ્યાપાર થતો હોય છે. જ્યાં હજારો શ્રમિકો માર્કેટયાર્ડમાં મજૂરી કામ થકી પોતાનું પેટિયું રડતા હોય છે. પરંતુ કોરોના વાઇરસના વધતા જતા સંક્રમનને જોતા ઊંઝા APMC અને વેપારી આગેવાનો દ્વારા એક અઠવાડિયા માટે APMCમાં જાહેર વેપાર અને હરાજી સહિતની તમામ કામગીરી બંધ રાખી સ્વયંભૂ લોકડાઉન રાખવા નિર્ણય લેવાયો હતો.
આ બાબતને ધ્યાને રાખતા ઊંઝા નગરપાલિકાએ માત્ર APMCમાં લોકડાઉન રહેવાથી ખાસ અસર નહીં જોવા મળે તેમ વિચારી ઊંઝા શહેરના તમામ બજારો અને જાહેર જગ્યાઓ પર સ્વયંભૂ લોકડાઉન રાખવા નગરજનોને અપીલ કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આજે સોમવારે ઊંઝા APMCમાં કરોડોનો વેપાર બંધ કરી દેવાયો છે અને ઊંઝામાં ચુસ્ત પણે સ્વયંભૂ લોકડાઉન જોવા મળ્યું છે.