મહેસાણા: 9 ઓક્ટોબર એટલે કે દેશમાં રેલવે બાદ સૌથી વ્યાપક પ્રમાણમાં પથરાયેલી એવી ટપાલ વિભાગની સેવાનો ખાસ દિવસ. આમ તો ભારતમાં 166 વર્ષ પહેલાં વર્ષ 1854માં પોસ્ટ વિભાગની શરૂઆત થઇ હતી, જેના 20 વર્ષ બાદ વર્ષ 1874માં 9મી ઓક્ટોબરના રોજ યુનિવર્સલ પોસ્ટલ યુનિયનની સ્થાપના થઇ હતી.
જેને અનુલક્ષીને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ પોસ્ટ ડેની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે મહેસાણા જિલ્લાની 67 વર્ષ જૂની અને હજી પણ કાર્યરત એવી પોસ્ટ ઓફિસમાં પણ 'વિશ્વ ટપાલ દિવસ'ની ઉજવણી થઇ રહી છે.
મહેસાણા પોસ્ટ વિભાગ દ્વારા પોસ્ટલ વીકની ઉજવણીના ભાગ રૂપે 9થી 15 તારીખ સુધી પોસ્ટની વિવિધ સેવાઓ અને યોજનાઓની માહિતી જન જન સુધી પહોંચે માટે બેન્કિંગ ડે, પોસ્ટલ લાઈફ ઇન્શ્યોરન્સ સેવા, ફિલાટેલી એટલે કે પોસ્ટની જુદી જુદી ટિકિટોનો સંગ્રહ કરનાર લોકોને પ્રોત્સાહિત કરવા અને બિઝનેસ ડેવલપમેન્ટ જેમાં સ્પીડ પોસ્ટ, લોજીસ્ટિક સેવા, પાર્સલ સેવા, ત્વરીત ટપાલ વિતરણ અને મેઇલ્સ ડે જેવી પ્રવૃતિઓનું આયોજન કરાય છે.
મહેસાણામાં વર્ષ 1953માં ટપાલઘરની સ્થાપના થઇ હતી જ્યાં રાધનપુર, સિદ્ધપુર સહિતના સેન્ટરોને આવરી લઇ ઉત્તર ગુજરાતના એક મોટા ડિવિઝન તરીકે કાર્યરત હતું. આજે મહેસાણા જિલ્લા માટે હાલમાં 1 હેડ પોસ્ટ ઓફીસ, 257 પોસ્ટ ઓફીસ અને 52 સબ પોસ્ટ ઓફીસ કાર્યરત છે.
પહેલાના સમયમાં પોસ્ટ વિભાગ ટપાલ અને મની ઓર્ડરના કામ પૂરતું સીમિત હતું. આજે સમયની સાથે આવેલા ફેરફારને પગલે પોસ્ટ વિભાગમાં ટપાલની સાથે સાથે બેન્કિંગ સેવા, ઇન્શ્યોરન્સ સેવા, રોકાણ અને બચત સેવા સહિત અનેક જન સેવાના કાર્યો માટે પોતાની આગવી ઓળખ ધરાવતું થયું છે, પોસ્ટ ઓફિસમાં જે કાર્ય પહેલાના સમયમાં મેન્યુઅલી થતા હતા તે હવે ડિજિટલાઈઝેશન થતા કોમ્પ્યુટરાઈઝ થઈ ગયા છે. જેથી સમયનો સદુપયોગ અને કાર્યની પારદર્શકતામાં સુધારો જોવા મળી રહ્યો છે.
એક ઉદાહરણ મુજબ મની ઓર્ડરને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચતી વખતે ઘણો સમય લાગતો હતો જે EMOથી ગણતરીના કલાકોમાં થઈ રહ્યા છે, આજે કોર બેન્કિંગની સેવા લેતા પોસ્ટના ગ્રાહકો કોઈ પણ પોસ્ટ ઓફીસમાંથી પોતાનું એકાઉન્ટ એક્સેસ કરી શકે છે. આમ ચોક્કસથી લોકોની સેવામાં પહેલા કરતા અનેક ગણો વધારો થયો છે અને સમયની બચત થઈ રહી છે. તેમજ પોસ્ટમેન પણ ટપાલ ડિલિવરી કરતા મોબાઈલમાં ડિજિટલ સાઈન કરાવી ટપાલ ડિલિવરીનું ત્વરિત રિપોર્ટિંગ કરી રહ્યા છે. આજે ડિજિટલ કાર્ય પદ્ધતિથી પોસ્ટ વિભાગમાં સ્ટેશનરીનો ઉપયોગ ઘટ્યો ઘટતા પર્યાવરણનું પણ જતન થઈ રહ્યું છે.
166 વર્ષ જૂની સેવાઓના ભાગ હોવું એ તો ગૌરવપૂર્ણ વાત છે જ, તેની સાથે સાથે 21મી સદીમાં પણ ડિજીટલાઇઝેશન વડે પોસ્ટલ વિભાગ લોકોની માળખાકીય સુવિધાઓ માટે ખડેપગે હાજર છે. સ્ટેશનરીનો વપરાશ ઘટતા પર્યાવરણનું જતન થઇ રહ્યુ છે. તો બીજી તરફ સમયનો બચાવ અને લોકોને ત્વરિત સેવા પણ મળી રહ્યા છે.
- મહેસાણાથી રોનક પંચાલનો વિશેષ અહેવાલ