મહેસાણાઃ મહેસાણના ઉનાવા માર્કેટ યાર્ડમાં છેલ્લા કેટલાય દિવસોથી લોકડાઉનની સ્થિતિમાં સન્નાટો છવાયો હતો. જોકે સરકારે ખેડૂતોની ચિંતા કરતા નિયમોને અનુસરી વિવિધ માર્કેટયાર્ડ શરૂ કરવાની મંજૂરી આપતા હવે ઉનાવા માર્કેટયાર્ડ પણ હાલમાં રાયડાની ખરીદી માટે ધમધમતું થયું છે.
જોકે યાર્ડમાં આવતા ખેડૂતોનું પ્રથમ રજીસ્ટ્રેશન કરાયું છે. બાદમાં ભીડ ન સર્જાય તે રીતે ગણતરી મુજબના જ ખેડૂતોને તેમની ખેતપેદાશ વેચવા માટે બોલાવાયા છે. યાર્ડમાં પ્રવેશતા તમામ લોકોની ટેમ્પરેચર ગનથી તપાસ કરી સેનેટાઇઝ કર્યા બાદ પ્રવેશ આપવામાં આવે છે. સાથે માસ્ક પહેરવું પણ અનિવાર્ય રાખવામાં આવ્યું છે, તો ખેડૂતોના માલની હરાજી માટે વેપરીઓને પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે સૂચના આપવામાં આવી છે.
APMC ઉનવામાં પ્રથમ દિવસે 19 ખેડૂતો રાયડો અને એરંડા લઈ વેચાણ કરવા આવ્યા હતા. જોકે યાર્ડમાં સેક્રેટરીએ સોમવારથી ગુરુવાર એરંડા અને શુક્રવારથી શનિવાર રાયડાની ખરીદી કરવા આયોજન કર્યું છે. રાયડા માટે કોઈ પણ ખેડૂતે રજીસ્ટ્રેશન ન કર્યું હોવાથી શનિવાર અને શુક્રવાર કપાસની ખરીદી પણ કરવામા આવશે.