- જિલ્લામાં પ્રાથમિક શાળાઓ જર્જરિત, આ મામલે જિલ્લા શિક્ષણ અધિકારીની બોલતી બંધ
- જો શાળાઓ શરૂ થાય તો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના માથે જર્જરિત મકાનોનું જોખમ
- ક્યાંક ઈમારતમાં મોટી તિરાડો, તો ક્યાંક વરસાદી પાણીના ધબ્બા
મહેસાણા: નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે, ત્યારે ચાલુ વર્ષે શિક્ષણ અને શાળાઓની પરિસ્થિતિનો ચિતાર મેળવવા પ્રયાસ કરવામાં આવતા જિલ્લાની કેટલીક શાળાનું કાર્ય વર્ષો જૂની ઇમારતોમાં થાય છે અને આ ઈમારતો જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે. ETV ભારતના રિયાલિટી ચેકમાં શાળાઓની ઇમારતોમાં મોટી તિરાડો અને ગાબડા પડેલા જોવા મળ્યા છે. સાથે જ વરસાદની સીઝનમાં પાણી ઉતરતા હોય તેવા ડાઘા દીવાલો અને છત પર દેખાઈ રહ્યાં છે, ત્યારે જિલ્લાની આવી કેટલીક જૂની શાળાઓની જોખમી ઇમારતો ભવિષ્યમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો કે અન્ય કોઈ માટે અકસ્માત સર્જાય તો જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: ભાવનગરની 45 શાળાઓ પૈકી 3 શાળાઓ જર્જરિત હાલતમાં
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ સેવ્યું મૌન
શાળાઓના તિરાડો અને જર્જરિત ઇમારત મામલે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનો સંપર્ક કરતા તેમણે સતત મિટિંગમાં હોવાની વાત રજૂ કરી મેસેજ દ્વારા પણ પૂછવામાં આવેલા પ્રશ્નોનો કોઈ પ્રત્યુતર આપ્યો નથી, તો ગ્રાઉન્ડ લેવલે શાળાના સંચાલકો દ્વારા જર્જરિત શાળાના મકાન માટે રજૂઆતો કરવામાં આવતા કેટલાક જર્જરીત શાળાના ઓરડાઓને નવ નિર્માણ કરવાના કામની વહીવટી મંજૂરી અપાઈ ગઈ હોવાની માહિતી સૂત્રોના હવાલેથી મળી રહી છે. ત્યારે જર્જરિત શાળાના મકાન વિશે મૌન સેવતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શંકાસ્પદ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે.