મહેસાણા : જિલ્લામાં સામાન્ય રીતે દારૂનો વેપાર બુટલેગરોનો ખાનગી વ્યવસાય છે. પરંતુ લોકડાઉનમાં જ્યારે તમામ પ્રકારના ધંધાઓ બંધ રહ્યા છે ત્યાં કડી પોલીસે આ બુટલેગરોની પરંપરાને વેગ આપતા ખુદ પોલીસે દારૂનો વેપાર કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. જેમાં રેન્જ આઈજી મયંક સિંહ ચાવડા દ્વારા પોતાની ટીમ સાથે કડી પોલીસ મથક અને પોલીસ ક્વાર્ટરમાં દરોડા પાડતા દારૂનું કટિંગ થતું હોવાની આશંકાઓ પ્રબળ બની હતી. ત્યાં જ છેલ્લા 3 દિવસથી કડીમાં ગાંધીનગર રેન્જ આઈજીની ટીમ સાથે તપાસ અધિકારી તરીકે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા મયુરસિંહ ચાવડા એ તપાસ હાથ ધરી છે. જેમાં કડી પોલીસ દ્વારા બુટલેગર સાથે મળી દારૂનો મુદ્દામાલ નરસિંહપુરા નર્મદા કેનાલમાં સગેવગે કર્યો હોવાની જાણકારી મળતા તપાસ અધિકારીએ ગાંધીનગર ફાયર ટીમની મદદ લઇ કેનાલના પાણીમાં તપાસ હાથ ધરી છે. તો કેનાલ આસપાસથી દારૂની બોટલ પેકિંગના ખાલી ખોખા અને પેટીઓ મળી આવી છે.
જો કે, હજુ સુધી દારૂનો મુદ્દામાલ તપાસ દરમિયાન હાથ લાગ્યો નથી. ત્યારે મુદ્દામાલ શોધવા તપાસ વધુ તેજ કરવામાં આવી છે. તો બીજી તરફ કડી પોલીસ સ્ટેશનના મુખ્ય અધિકારી ઓ.એમ. દેસાઈ અને એક PSI પટેલ સહિત પોલીસ સ્ટેશનનો મોટાભાગનો સ્ટાફ સંપર્ક વિહોણો બની ભૂગર્ભમાં જતો રહ્યો છે.
પોલીસ દ્વારા જ દારૂનું વેચાણ થતું હોવાની બાતમી રેન્જ આઈજીને ખુદ મહેસાણા જિલ્લા પોલીસ વડા મનીષસિંહ એ આપી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે નિષ્પક્ષ તપાસ થાય માટે મહેસાણા જિલ્લા પોલીસ વડાએ થર્ડ પાર્ટી તપાસની માંગ કરી હતી. સમગ્ર ઘટનાની તપાસ કાર્યવાહી રેન્જ આઈજી દ્વારા ગાંધીનગર DSPને સોંપવામાં આવી છે