નવસારી : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. નવસારી જિલ્લામાં બીલીમોરા નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત નોંધાઈ છે. બીલીમોરા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 29 બેઠક, કોંગ્રેસને બે અને અપક્ષને પાંચ બેઠકો મળી છે. એટલે કે ગત વખત કરતાં આ વખતે સારી લીડથી ભાજપ જીતી છે.
બીલીમોરા નગરપાલિકા પર ભગવો લહેરાયો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોમાં બીલીમોરા નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપને 29 બેઠક, કોંગ્રેસને બે અને અપક્ષને પાંચ બેઠકો મળી છે. જેમાં રસિક પટેલે 937 મતોથી કોંગી ઉમેદવારને પછડાટ આપી છે. આ સાથે જ વાંસદા તાલુકાની કંડોલપાડા સીટ પર પણ ભાજપની જીત થઈ છે. આ ભવ્ય જીતની ઉજવણી કરતા પણ ભાજપના કાર્યકર્તાઓ જોવા મળ્યા હતા.
અપક્ષનો પણ દબદબો : બીલીમોરા નગરપાલિકામાં અપક્ષનો પણ દબદબો જોવા મળતો હોય છે. હાલ તો બીલીમોરા નગરપાલિકાની 36 બેઠકોમાંથી પાંચ બેઠકો અપક્ષના ફાળે ગઈ છે. જેમાં વોર્ડ નંબર 5 ના અપક્ષ ઉમેદવાર મલંગ કોલીયાએ આઠમી વખત વિજેતા બનીને ગુજરાતમાં ઇતિહાસ સર્જ્યો છે. બીજી તરફ ભાજપના પૂર્વ પાલિકા પ્રમુખ અને સ્ટેન્ડિંગ ચેરમેનની હાર થઈ છે.

સ્થાનિકોની આશા-અપેક્ષા : હાલ તો બીલીમોરા નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો છે. સ્થાનિક લોકો સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, હાલ અમારા વિસ્તારમાં યુવા ઉમેદવારો ચૂંટણીમાં વિજય બનીને આવ્યા છે. યુવાન નગરસેવકો બીલીમોરા શહેરની કાયાપલટ કરશે એવી આશા છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં પાણી-ગટર જેવી જટિલ સમસ્યાનો અંત આવશે, તેવી આશા છે.