મહેસાણાના માઠાસૂર ગામે દેવીપૂજક વાસમાં રહેતા અને એકલવાયું જીવન જીવતા 55 વર્ષીય લીલાબેન દેવીપૂજક પોતાના ઘરમાં એકલા હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની દીવાલ વરસાદને કારણે ધસી પડતા દીવાલના કાટમાળ નીચે વૃદ્ધા દટાયા હતા. આસપાસના લોકોને ઘટનાની જાણ થતાં જ કાટમાળ નીચે દટાયેલા વૃદ્ધાને બહાર કાઢી સારવાર હેઠળ લઈ જતા પહેલા જ તેમનું રસ્તામાં મૃત્યુ નિપજ્યું હતું.
કડી તાલુકાની અન્ય એક દુર્ઘટનામાં વિસતપુરા ગામે બે વૃદ્ધા ઘર આંગણે બેઠા હતા. અચાનક મકાનનું છાપરુ નીચે પડતા નીચે બેઠેલ બન્ને વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી ગોદાવરીબેન પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. જ્યારે અન્ય વૃદ્ધાને વધુ સારવાર માટે મહેસાણા ખસેડવામાં આવ્યા છે.
કડીના નાડોલીયા ગામે પણ એક રહેણાંક મકાનની દીવાલ વરસાદને પગલે ધરાશયી થતા દુર્ઘટના ઘટી હતી. જોકે તે ઘટનામાં કોઈ જાનહાનિનો બનાવ સામે આવ્યો નથી.