આરોગ્ય વિભાગ દ્વારા સતલાસણાના આરોગ્ય સેન્ટર ખાતે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઉપસ્થિતિમાં નવજાત બાળકને જન્મ આપનાર માતાઓને સ્તનપાન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કાંગારુ માતૃ સંભાળની માહિતી આપવામાં આવી હતી. જેમ કાંગારૂ પોતના બચ્ચાંને શરીરનો ગરમાવો આપી રક્ષણ આપે છે. તે રીતે માતાએ પોતાના બાળકને સ્તનપાન કરાવતી વખતે પોતાના શરીનો ગરમાવો આપવો જોઇએ. આમ આ કાર્યક્રમમાં માતાઓને બાળકની સારસંભાળની કીટ આપી સન્માનિત કરીને સ્તનપાન સપ્તાહની ઉજવણી કરી હતી. ત્યારબાદ સતલાસણામાં કાંગારૂ માતૃ સંભાળનો શુભારંભ કર્યો હતો.
સામાજિક વનીકરણ વિભાગ અને વન વિભાગ દ્વારા પ્રજાપતિ આર્ટ્સ કૉલેજમાં નાયબ મુખ્યપ્રધાનના હસ્તે છોડ રોપી પર્યાવરણના જતન માટે 70માં વન મહોત્સવનું આયોજન કરાયું હતું. જેમાં નાયબ મુખ્યપ્રધાને જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ અને સ્થાનિકો સાથે વૃક્ષારોપણ કર્યુ હતું. આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાને અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના ચાર સરપંચોને ગામમાં શ્રેષ્ઠ વનીકરણનું જતન કરવા બદલ ચેક વિતરણ કરી રૂપિયા 1 લાખનું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. આમ, નાયબ મુખ્યપ્રધાને વિવિધ કાર્યક્રમમાં હાજર રહી જનાહિતના કાર્યોને પ્રોત્સાહન આપ્યુ હતું.