મહેસાણાઃ સમગ્ર વિશ્વને પોતાની ઝપેટમાં લેનારા કોરોના વાઇરસના કારણે વડાપ્રધાન મોદીએ દેશને 21 દિવસ માટે લોકડાઉન કર્યો છે. જેના 4 દિવસ થતાં શ્રમીકોના પરિવારને 2 ટાઈમનું ભોજન મળવું મુશ્કેલ બન્યું છે. જેથી આવા પરિવારને મદદરૂપ થવા માટે વિસનગર APMC દ્વારા દાળ, ચોખા, તેલ, લોટ સહિત 3000 જેટલી ફૂડ કિટ તૈયાર કરવામાં આવી છે.
APMC ચેરમેન ઋષિકેશ પટેલ અને તેમની ટીમ દ્વારા આ તમામ કિટ શહેરના વિવિધ વિસ્તારોમાં વહેંચવામાં આવશે. આ વ્યવસ્થાના કારણે 2,200 જેટલા પરિવારને ભોજન મળી રહેશે, પરંતુ આમાં પણ રાજકારણ સામે આવ્યું છે. આ કિટ માત્ર શહેરી વિસ્તારમાં આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં કોઈ પ્રકારની સહાય કરવામાં આવતી નથી.
લોકડાઉનની સ્થિતિ વચ્ચે આજે અનેક લોકો અને સંસ્થાઓ શ્રમજીવીઓના ભોજનની ચિંતા કરી રહ્યાં છે, ત્યારે વિસનગર APMC ચેરમેન અને તેમની ટીમે ફૂડ કિટ તૈયાર કરી છે. વિસનગર APMC ખેડૂતોના હિત માટેની સંસ્થા હોવા છતાં પોતાનો રાજકિય રોટલો શેકવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં જરૂરિયાત મંદ ખેડૂત અને મજૂર પરિવારોને બદલે વિસનગર શહેરમાં શ્રમજીવીઓને કિટ આપવામાં આવશે.
મળતી માહિતી મુજબ, આગામી દિવસોમાં નગરપાલિકા સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહીં છે. જેથી APMCના ભંડોળનો ઉપયોગ લોકોની મદદના નામે વ્યક્તિગત પ્રસિદ્ધિ માટે કરાતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે.