મરણ પથારીએ પડેલા દર્દીના જીવનમાં ઓક્સિજનનું ઘણું મહત્વ રહેલું છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં પહેલીવાર ઓક્સિજન જનરેટર મશીનનો મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રયોગ કરવામાં આવ્યો છે. સરકાર દ્વારા અંદાજે 25 લાખના ખર્ચે એક ઓક્સિજન જનરેટ મશીન વિકસાવવામાં આવ્યું છે. આ મશીનની એક ખાસ પ્રકારની બનાવટ છે કે, જેમાં તે હવામાં રહેલા અનેક વાયુમાંથી માત્ર ઓક્સિજનને છુટ્ટો પાડી તેનો જથ્થો ભેગો કરે છે. ડોકટરના એક અંદાજ પ્રમાણે 98 ટકા જેટલો શુદ્ધ ઓક્સિજન તૈયાર કરવાની ક્ષમતા આ મશીનમાં રહેલી છે.
આ મશીન દ્વારા ઉત્પન્ન થતો ઓક્સિજન 24 કલાક કાર્યરત રહે છે. જેમાંથી 15 જેટલા દર્દીઓને ઓક્સિજન આપી શકાય છે. ઓક્સિજનની ખરીદી કરતા આ મશીન અંદાજે 20 હજાર જેટલા ખર્ચની બચત કરી આપે છે. ઉપરાંત બોટલો રિપ્લેસમેન્ટની તકલીફોમાંથી પણ તે મુક્તિ આપે છે. જો કે, હાલમાં આ ઓક્સિજન જનરેટર મશીન સેવા આપવામાં કેટલું સફળ સાબિત થાય છે તે જોવા માટે પરીક્ષણ હેઠળ રખાયું છે. આ મશીનની યોગ્યતા પુરવાર થશે તો સરકાર દ્વારા રાજ્યભરમાં આ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી શક્યતાઓ છે.