- મહેસાણાના માલ ગોડાઉન રોડ પર હિટ એન્ડ રનની ઘટના
- ચાલવા નીકળેલા બે વૃદ્ધને કારે ફંગોળતા એકનું મોત-એક ઘાયલ
- બીજા વૃદ્ધની હાલત પણ ગંભીર, કારચાલક સામે ગુનો
મહેસાણાઃ મહેસાણાના માલ ગોડાઉન રોડ પર રાત્રે ચાલવા નીકળેલા બે વૃદ્ધોને કારચાલકે ફંગોળ્યા હતા. જેમાં એકનું ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. હિટ એન્ડ રનની આ ઘટના અંગે બી ડિવિજન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહેસાણા શહેરમાં માલ ગોડાઉન રોડ પર આવેલા એબી ટાવરમાં રહેતા 59 વર્ષીય બાબુભાઇ નરસિંહભાઇ પ્રજાપતિ અને અક્ષરધામ ફ્લેટમાં રહેતા 68 વર્ષીય તેમના મિત્ર જયંતિભાઇ પટેલ રાત્રે 7 વાગે ઘરેથી નિત્યક્રમ મુજબ ચાલવા નીકળ્યા હતા.
ગાડી ચાલકે અડફેટે લેતા એકનું મોત
બંને વૃદ્ધ આસ્વાદ પાર્લરની સામે શારદા સોસાયટી તરફ રોડની સાઇડમાં ચાલી રહ્યા હતા. આ દરમિયાન અહીંથી પૂરઝડપે નીકળેલી અર્ટીગા ગાડીના ચાલકે બંનેને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બંને વૃદ્ધોને ગંભીર ઇજા થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. જ્યાં જ્યંતિભાઇ પટેલને માથાના પાછળના ભાગે થયેલી ગંભીર ઇજાના કારણે સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત બાબુભાઇ પ્રજાપતિએ બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં કારચાલક સામે ગુનો નોંધાવ્યો હતો.