- કાતિલ દોરીનાં દર્દનાક કિસ્સાઓ સામે આવ્યા
- માંજો બન્યો પક્ષીઓ માટે ઘાતકી, 200 થી વધુ ઘાયલ
- મનોરંજનના માંજાએ અકસ્માત સર્જીને 150 વ્યક્તિઓને ઘાયલ કર્યા
મહેસાણા: ઉત્તરાયણ દરમિયાન સમગ્ર જિલ્લામાં 150 જેટલા વ્યક્તિઓ કાતિલ દોરીની ઝપેટમાં આવી જતા કોઈક સામાન્ય તો કોઈક અતિ ગંભીર રીતે ઘવાયા છે. જ્યારે 170 જેટલા લોકો માટે ઉત્તરાયણનો તહેવાર અકસ્માતનું કારણ બન્યો છે. જેમાં દોરીથી ગળું કપાઈ જતાં ઇજાઓ પામવાનાં દર્દનાક બનાવો પણ ક્યાંક ને ક્યાંક સામે આવ્યા છે. ઉત્તરાયણનાં માત્ર 2 જ દિવસોમાં સમગ્ર જિલ્લામાંથી મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ગત વર્ષ કરતા 50 ટકા ઘટાડો
મહેસાણા જિલ્લામાં સામન્ય રીતે ઉત્તરાયણ મનોરંજનનો પર્વ બનીને ઉજવાય છે. જેમાં નાનાથી લઈને મોટેરા લોકો ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે આ પર્વની ઉજવણી કરે છે. જોકે, મનોરંજનનો આ પર્વ ક્યાંક કોઈકનાં માટે આફત સમાન પણ બનતો હોય છે. મહેસાણા જિલ્લામાં 200 થી વધારે પક્ષીઓ દોરીની ચપેટમાં આવી જતા ગંભીર રીતે ઘવાયા હતા. જેમને વિવિધ એનિમલ હેલ્પ સેન્ટર ખાતે સારવાર આપવામાં આવી હતી. પક્ષીઓના મોત મામલે કોઇ ચોક્કસ આંકડાઓ સામે આવ્યા નથી.અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષ કરતા આ વખતે ચાઈનીઝ દોરીનો ઉપયોગ ઘટવાનાં કારણે પક્ષીઓને ઇજાઓ થવાની ઘટનાઓમાં 50 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.