મહેસાણા : સમગ્ર વિશ્વ જ્યારે આજે કોરોના વાઇરસની ઝપેટમાં આવી ગયું છે. ત્યાં દેશ અને વિદેશમાં સરકારો દ્વારા નાગરિકોની સુરક્ષા અને સલામતીને ધ્યાને રાખી અનેક પગલા લેવાઈ રહ્યાં છે. ભારત સરકાર દ્વારા પણ ભારતીય નાગરિકોની સુરક્ષા અને સલામતી કેન્દ્રસ્થાને રહી છે. ત્યાં લોકડાઉન વધુ 17 મે સુધી લંબાવવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા અપાતા નિર્દેશોનું ચુસ્તપણે અમલીકરણ થાય તે માટે પ્રસાશનતંત્ર કટિબદ્ધ બન્યું છે. લોકડાઉન સિવાય પણ લોકોમાં કોરોના વાઇરસને લઈને મનમાં રહેલો ડર દૂર થાય અને નગરજનો સલામત રહે તે માટે મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા આયુષ વિભાગની માર્ગદર્શિકા લોકો સમક્ષ ખુલ્લી મૂકવામાં આવી. તેનું અનુસરણ કરવાની પ્રાથમિકતા આપવાનું મહેસાણા જિલ્લા પોલીસ દ્વારા લોકોને સુચન કરવામાં આવે છે.
લોકોની સેવામાં હાજર એવી મહેસાણા જિલ્લા પોલીસના સ્વાસ્થ્યની ચિંતા કરી જિલ્લા પોલીસ દ્વારા નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા તમામ પોલીસગણને ભારત સરકારના આયુષ વિભાગ દ્વારા સૂચિત રોગપ્રતિકારક શક્તિ વર્ધક હલ્દી દૂધનું વિતરણ કરવામાં આવ્યું. સદૈવ પ્રજાજનોની રક્ષા માટે ખડેપગે કામ કરી રહેલા પોલીસકર્મીઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તેઓને પણ આ કોરોના મુક્ત રાખી શકાય. જેથી કરી તેઓ આપણા સમાજ અને દેશને કોરોના મુક્ત રાખી શકે એ ઉદ્દેશ્યથી આ ભગીરથ કાર્ય પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સાથે જનતાને પણ રોગપ્રતિકારક શક્તિ વર્ધક હલ્દી દૂધનું સેવન કરવા તાકીદ કરવામાં આવી હતી.